મનરેગામાં હવે અમે ૧૫૦ દિવસ કામ આપીશું, દેશદ્રોહની કલમનો દુરુપયોગ થતો હોવાથી તેને દુર કરીશું
ખેડૂતો દેવાની ભરપાઇ ન કરી શકે તો તેની વિરુદ્ધ ક્રિમિનલ કેસ નહીં કરીએ, સિવિલ કાર્યવાહી જ થશે
જીએસટીને વધુ સરળ બનાવવામાં આવશે, ત્રણ વર્ષ માટે યુવાઓએ બિઝનેસ માટે કોઇ અનુમતી નહીં લેવી પડે
શિક્ષણનું સ્તર સુધારવા માટે છ ટકા બજેટ ફાળવવામાં આવશે, સ્વાસ્થ્ય સેવા સુધારવામાં આવશે
રફાલ સોદાની તપાસ કરીશું, મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ

નવી દિલ્હી, તા.2 એપ્રિલ, 2019, મંગળવાર
કોંગ્રેસે મંગળવારે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, ૫૫ પાનાના આ મેનિફેસ્ટોને કોંગ્રેસે હમ નીભાએંગે નામ આપ્યું છે. જેમા કોંગ્રેસે નવી રોજગારીઓ ઉભી કરવી, ખેડૂતોની સમસ્યાઓનંુ નિકારણ લાવવું, ન્યાય યોજનાનો દેશમાં અમલ કરવા સહીતના અનેક વચનો આપ્યા હતા.
સાથે દાવો કર્યો હતો કે અમે મોદીની જેમ જુઠ નહીં બોલીએ અને આ વચનોને પુરા કરીને જ રહીશું. આ મેનિફેસ્ટોને દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેર કર્યો હતો, જે સમયે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, વરીષ્ઠ નેતા પી. ચિદમ્બરમ સહીતના નેતાઓ હાજર રહ્યા હતા.
દરમિયાન કોંગ્રેસે આ મેનિફેસ્ટોમાં ખેડૂતોના દેવા માફી અંગે વાત કરતા કર્જ માફીથી કર્જ મુક્તી સુત્ર આપ્યું છે. સાથે પાંચ કરોડ ગરીબ પરિવારના ખાતામાં દર વર્ષે ૭૨ હજાર રૃપિયા જમા કરવાનું વચન આપ્યું છે. મનરેગા યોજના અંતર્ગત રોજગારીના દિવસો ૧૦૦માંથી વધારીને ૧૫૦ કરવામાં આવશે.
માર્ચ ૨૦૨૨ સુધીમા ૨૨ લાખ સરકારી પદોને ભરવામાં આવશે. ૧૦ લાખ યુવાઓને ગ્રામ પંચાયતમાં જ રોજગારી આપવામાં આવશે. જીએસટીને વધુ સરળ બનાવવામાં આવશે. ખેડૂત લોન પરત ન કરી શકે તેમ હોય તો તેની વિરુદ્ધ કોઇ અપરાધીક કાર્યવાહી નહીં કરવામાં આવે. શિક્ષણનું બજેટ છ ટકા સુધી લઇ જવામાં આવશે.
આ ઉપરાંત કોંગ્રેસે વચન આપ્યું છે કે રેલવે બજેટની જેમ જ ખેડૂતો માટે અલગથી બજેટ રજુ કરવામાં આવશે. દેશની સ્વાસ્થ્ય સેવાને વધુ સક્ષમ અને મજબુત બનાવવામાં આવશે. અન્ય એક જાહેરાત દેશદ્રોહની કલમને લઇને છે, કોંગ્રેસે વચન આપ્યું છે કે જો અમે સત્તામાં આવીશું કો દેશદ્રોહની કલમ ૧૨૪-એને રદ કરી દેવામાં આવશે. આ ઉપરાંત રફાલ સોદાની તપાસ કરવામાં આવશે.
કોંગ્રેસ આરોપો લગાવી રહી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માનિતા અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે જ રફાલ સોદો કર્યો છે અને સસ્તુ વિમાન ત્રણગણા વધુ ભાવે ખરીદી રહી છે. કોંગ્રેસે હવે વચન આપ્યું છે કે રફાલમાં તપાસ કરાવીશું અને જરુર પડયે મોદી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનંુ કોંગ્રેસે અનેક વખત ઔકહ્યું છે.
RBI અંગે મોદી સરકારે લીધેલા નિર્ણયો બદલવાનું પણ વચન
વર્તમાન કેન્દ્ર સરકાર અને આરબીઆઇ વચ્ચે અનેક મુદ્દે વિવાદ ચાલી રહ્યા છે, સરકારે આરબીઆઇને લઇને જે પણ નિર્ણયો અત્યાર સુધી લીધા છે તેને લઇને કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે આરબીઆઇની સ્વતંત્રતાને બહાલ કરવામાં આવશે. કેન્દ્રએ આરબીઆઇની કામગીરીમાં દરમિયાનગીરી કરી છે જેને પગલે જ ઉર્જિત પટેલે રાજીનામુ આપવું પડયું હતું.
કોંગ્રેસનો મેનિફેસ્ટો દેશના ભાગલા પાડશે : જેટલી
બીજી તરફ ભાજપે કોંગ્રેસના મેનિફેસ્ટોને લઇને પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશને તોડવાના વચનો આપ્યા છે. અરુણ જેટલીએ જણાવ્યું હતું કે શું કોંગ્રેસ માટે દેશદ્રોહ ગુનો નથી? કોંગ્રેસે કાશ્મીરમાં લાગુ આફ્સ્પા અંગે વિચારવા કહ્યું છે જેને ટાંકીને જેટલીએ કહ્યું હતું કે જે આતંકીઓને સેના રોજ મારે છે તેને બચાવવા માગો છો? કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં ખતરનાક એજંડા લાગુ કરવા માગે છે. સાથે કોેંગ્રેસે વચન આપ્યું છે કે પાકિસ્તાન પર દબાણ વધારવા માટે અમે અન્ય દેશોની મદદ લઇશું. તેની મદદથી આતંકીઓ સામેની કાર્યવાહી વધુ આક્રામક બની શકશે. જય જવાન જય કિસાનના નારાથી પ્રેરીત થઇને કોંગ્રેસ સરકારે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
કાશ્મીરમાં આફ્સ્પા અંગે વિચારીશું, સરહદે જવાનોની સંખ્યા વધશે : કોંગ્રેસ
કોંગ્રેસે વચન આપ્યું છે કે કાશ્મીરના મુદ્દાનું નિકારણ વાતચીતથી લાવવામાં આવશે, સરહદે આતંકીઓને પ્રવેશતા રોકવા દરેક પ્રયાસો કરીશું, કાશ્મીરમાં લાગુ કરાયેલા આફ્સ્પા કાયદાને દુર કરવા કે હળવો કરવા અંગે વીચારીશું, કોઇ પણ પ્રકારની શરત વગર જમ્મુ કાશ્મીરની જનતાની સાથે વાતચીત કરવામાં આવશે. રાજ્યમાં તાત્કાલીક ધોરણે ચૂંટણીઓ યોજવામાં આવશે. સરહદે સૈન્યની સુરક્ષાને વધારી દેવામાં આવશે. સાથે કોંગ્રેસે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના નાગરીકો સાથે દેશમાં જે પણ પ્રકારનો વ્યવહાર થઇ રહ્યો છે તે અતી ચિંતાજનક છે અને તેના માટે અમે યોગ્ય પગલા ભરીશું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FKZtwP
via Latest Gujarati News
0 Comments