(પીટીઆઇ) જયપુર/ નવી દિલ્હી, તા. ૧૭
રામનાથ કોવિંદ દલિત હોવાના કારણે રાષ્ટ્રપતિ બન્યા તેમ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવતા વિવાદ સર્જાયો છે. ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની ૨૦૧૭ની ચૂંટણી જીતવા માટે ભાજપે અડવાણીને બદલે કોવિંદને રાષ્ટ્રપતિ બનાવ્યા હતાં.
જો કે આ નિવેદન મુદ્દે વિવાદ થતાં ગેહલોતે ફેરવી તોળી જણાવ્યંર હતું કે મીડિયાએ મારા શબ્દોનું ખોટું અર્થઘટન કર્યુ છે અને મને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે ખૂબ જ માન છે.
જયપુરમાં એક પત્રકાર પરિષદમાં ગેહલોતે જણાવ્યું હતું કે મેં એક આર્ટિકલ વાંચ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે મોદીને ડર સતાવતો હતો કે ૨૦૧૭ની ગુજરાતની વિધાનસભામાં ભાજપનો પરાજય થશે. ભાજપ પ્રમુખ અમિત શાહની સલાહ પ્રમાણે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દેશના લોકોને એવું હતું કે અડવાણી રાષ્ટ્રપતિ બનશે પણ ભાજપે ગુજરાતની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રામનાથ કોવિંદ પર પસંદગી ઉતારી હતી. જો કે આ ભાજપની આંતરિક બાબત છે પણ મેં એક આર્ટિકલ વાંચ્યો હોવાથી હું આ વાતનો ઉલ્લેખ કરી રહ્યો છું.
આ ટિપ્પણી પછી ભાજપે ગેહલોતને માફી માગવા જણાવ્યું છે ચૂંટણી પંચને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિંહા રાવે પત્રકારોને જણાવ્યું હતું કે ગેહલોતની ટિપ્પણી કોંગ્રેસની દલિત વિરોધી માનસિકતા દર્શાવે છે. આ એક કમનસીબ ઘટના છે કે બંધારણીય પદ પર રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ જાતિગત ટિપ્પણી કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vc3m93
via Latest Gujarati News
0 Comments