(પીટીઆઇ) જયપુર/ભોપાલ, તા. ૧૭
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાને કારણે કુલ 39 લોકોનાં મોત થયા છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે રાજસ્થાનમાં મોટા પાયે મિલકતો અને ખેતીને નુકસાન થયું છે.
વરસાદ આધારિત ઘટનાઓમાં રાજસ્થાનમાં ૨૧, મધ્ય પ્રદેશમાં ૧૫ અન મહારાષ્ટ્રમાં ત્રણ લોકોનાં મોત થયા છે.
વડાપ્રધાન મોદીએ આજે ટ્વિટર પર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું અને મદદની જાહેરાત કરી હતી. જેના પગલે મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે વડાપ્રધાન મોદી પર ફક્ત પોતાના રાજ્ય ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આક્ષેપ કર્યો હતો.
તેનાા જવાબમાં વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટર જણાવ્યું છે કે વડાપ્રધાને ફક્ત ગુજરાત જ નહીં પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મણિપુર અને દેશના અન્ય ભાગોમાં કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. આ તમામ રાજ્યોમાં કમોસમી વરસદને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બે લાખ રૃપિયા આપવા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૃપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ વડાપ્રધાનના નેશનલ રિલીફ ફંડમાંથી આપવામાં આવશે.
કમલનાથે ટ્વિટર જણાવ્યું હતું કે મોદીજી તમે દેશના વડાપ્રધાન છો, ગુજરાતના નહીં. મધ્ય પ્રદેશમાં પણ દસથી વધુ લોકોના મોત થયા છે પણ તમે ફક્ત ગુજરાતમાં થયેલા મોત અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. એટલા માટે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે.
ભાજપને વળતો પ્રહાક કરતા કમલનાથ પર કુદરતી હોનારત મુદ્દે પણ રાજકારણ રમવાનોે આરોપ મૂક્યો છે. કેન્દ્ર તરફથી રાહત મેળવવા માટે રાજ્ય સરકારને કુદરતી હોનારતને કારણે થયેલા નુકસાનની જાણ પ્રથમ કેન્દ્રને કરવાની હોય છે, તે કરવાને બદલ કમલનાથ ટ્વિટર પર રાજકારણ રમી રહ્યાં છે.
ભારતીય હવામાન વિભાગે ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, પંજાબ અને બિહાર માટે એલર્ટ જારી કરવામાં આવી છે. દેહરાદૂન સહિત ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઇ હતી. દિલ્હીમાં સામાન્ય વરસાદ થયો હતો. જ્યારે પંજાબમાં વરસાદથી પાકને મોટા પાયે નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pj0TmK
via Latest Gujarati News
0 Comments