(પીટીઆઇ) ચેન્નાઇ, તા. ૧૭
તમિલનાડુમાં ટીટીવી દિનાકરણની પાર્ટી એમએમએમકેના એક નેતાના ઘરેથી ૧.૫ કરોડ રૃપિયા જપ્ત કર્યા છે. તમિલનાડુના થેની જિલ્લામાં મતદારોને લાંચ આપવા માટે આ નાણાનો ઉપયોગ કરવામાં આવવાનો હતો. અહીં ગુરૃવારે વિધાનસભાની પેટાચૂંટણી છે.
બેહિસાબી ૧.૪૮ કરોડ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા છે. મોડી રાતથી શરૃ થયેલા દરોડા સવારે ૫.૩૦ વાગ્યે પૂર્ણ થયા હતાં. ત્યારબાદ આવકવેરા વિભાગના ડાયરેક્ટર જનરલ(ઇન્વેસ્ટીગેશન) બી મુરલી કુમારે જણાવ્યું હતું કે ૧.૪૮ કરોડ રૃપિયા ૯૪ પેકેટમાં રાખવામાં આવ્યા હતાં. આ પેકેટમાં કવર પણ હતા અને તેના પર વોર્ડ નંબર, મતદારોની સંખ્યા અને ૩૦૦ રૃપિયાની રકમ લખેલી હતી.
આ તમામ વોર્ડ નંબર અન્દિપટ્ટી વિધાનસભા મતવિસ્તારમાં આવે છે કે જ્યાં આવતીકાલે ચૂંટણી થવાની છે.
આવકવેરા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આ અંગેનો અહેવાલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અને ચૂંટણી પંચને મોકલવામાં આવશે.
દરોડા દરમિયાન એએમએમકે (અમ્મા મક્કલ મુન્નેત્રા કઝાગામ)ના સમર્થકોએ આવકવેરા વિભાગને તપાસ કરતા રોક્યા હતાં. જેના પગલે એમએમએમકેના સમર્થકોને વિખેરવા માટે પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થળ પર હાજર સાક્ષીઓના જણાવ્યા અનુસાર ૧૬ એપ્રિલે અન્દિપટ્ટી પંચાયત યુનિયનના મતદારોને નાણાં વહેંચવા માટે બે કરોડ રૃપિયા રોકડા લાવવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ આવકવેરા વિભાગે કાનિમોઝીના ઘરે પણ દરોડા પાડયા હતાં. આ ઉપરાંત થોડાક દિવસ પહેલા વેલ્લોરમાંથી પણ ૧૦.૫૦ લાખ અને ૧૧.૫૩ કરોડ રૃપિયા જપ્ત કર્યા હતાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vbJnr2
via Latest Gujarati News
0 Comments