પાકિસ્તાનનો સિંઘ પ્રાંત કિન્નરોની પોલીસમાં ભર્તી કરશે


 પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સિંધ પ્રાંતમાં હવે કિન્નરોની પોલીસમાં ભર્તી કરવામાં આવશે. આ અંગે સિંધ પ્રાંતના ઇન્સ્પેકટર જનરલ સૈયદ કલીમ ઇમામે સમાચાર એજન્સી રોઇટરને જણાવ્યું કે આ કિન્નરોની ભર્તી કરવાનો હેતું તેમને સમાન તક આપીને મુખ્ય પ્રવાહમાં લાવી ભેદભાવને દૂર કરવાનો છે. પાકિસ્તાનમાં કિન્નરોના અધિકારો માટે કામ કરતી સંસ્થા ટ્રાન્સ એકશન પાકિસ્તાનના જણાવ્યા મુજબ દેશમાં ઓછામાં ઓછા ૫ લાખ કિન્નરો છે પરંતુ ૨૦૧૭ની વસ્તી ગણતરીમાં માત્ર ૧૦૪૧૮ નોંધવામાં આવ્યા છે. ૨૦૦૯માં પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટેના એક ચૂકાદા મુજબ કિન્નરોને થર્ડ સેકસ ગણીને ઓળખ કાર્ડ આપવામાં આવે છે. 

૨૦૧૭માં પ્રથમ વાર પાકિસ્તાનમાં પાસપોર્ટંમાં થર્ડ જેન્ડરનું ખાનું ઉમેરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં કેટલાક કિન્નર ફેશન અને મોડલિંગની દુનિયામાં સેલિબ્રિટી બની ગયા છે પરંતુ એ સિવાયના સામાન્ય કિન્નરોની જીવન દોજખથી ભરેલું છે. તેમને નોકરીઓ માટેના સાક્ષાત્કારમાં પણ ભેદભાવનો સામનો કરવો પડે છે. આથી પોલીસમાં કિન્નરોની ભર્તી મહત્વનું પગલું માનવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં કિન્નરો ફરીયાદ કરેે ત્યારે પોલીસનું વર્તન કિન્નરોની તરફેણમાં હોતું નથી. અનેક કિન્નરોને મૂળ સવાલોના સ્થાને લિંગભેદ પર ફાલતું પૂછપરછ કરવામાં આવે છે.

આવા સંજોગોમાં જો પોલીસ સ્ટેશનમાં કિન્નરોની ભર્તી કરવામાં આવે તો કિન્નર વધારે સારી રીતે સમજી શકશે. કોઇના ઘરે લગ્ન કે અન્ય શુભ પ્રસંગ હોય ત્યારે કિન્નરો દુવા આપવા પહોંચી જતા હોય છે તેના બદલમાં તેઓ બક્ષિસ માંગે છે. આ ચલણ ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે. જો કે કિન્નરોના સંગઠને જણાવ્યું કે જો સરકારી નોકરીમાં તક આપવામાં આવશે તો પુરુષ અને મહિલાઓ કરતા પણ વધારે સક્ષમતાથી કામ કરવાની શકિત ધરાવે છે. આમ પાકિસ્તાનમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષાની જવાબદારી સંભાળતા પોલીસ વિભાગમાં કિન્નરોની ભર્તી ચર્ચાનો વિષય બની છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L6Gl2o
via Latest Gujarati News

Post a Comment

0 Comments