
ભારતની ગુપ્તચર એજન્સીએ આતંકી હુમલાની ચેતવણી આપી હતી, પરંતુ અધિકારીઓએ મને અંધારામાં રાખ્યો : સિરિસેના
(પીટીઆઈ) કોલંબો, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર
શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે શ્રીલંકામાં હુમલાનો મુખ્ય સૂત્રધાર હતો એ હાસીમ હોટેલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો છે. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ કહ્યું હતું કે શ્રીલંકામાં આઈએસના ૧૩૦ આતંકીઓ સક્રિય છે.
શ્રીલંકાના ઈસ્ટર્ન હુમલાનો મુખ્ય સૂત્રધાર ઝહરાન હાસીમ એક હોટેલમાં રોકાયો હતો અને એ હોટેલમાં બોમ્બ બ્લાસ્ટ થતાં તે માર્યો ગયો છે. શ્રીલંકાના પ્રમુખ સિરિસેનાએ એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી કે સાંગરિલા હુમલાની તપાસ કરાઈ હતી અને સીસીટીવી ફૂટેજમાં જણાયું હતું કે હાસીમ માર્યો ગયો છે. હુમલા પછી આઈએસ દ્વારા એક વિડીયો જારી કરવામાં આવ્યો હતો અને તેમાં હાસીમ દેખાતો હતો. શ્રીલંકાના પ્રમુખે કહ્યું હતું કે સરકારના ગુપ્તચર વિભાગે અહેવાલ આપ્યો છે તે પ્રમાણે તે ૪૦ વર્ષનો હતો અને હોટેલના હુમલામાં તેનું મોત થયું હતું.
પ્રમુખ સિરિસેનાએ હુમલાની બાબતે દુ:ખ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે ભારતની ગુપ્તચર એજન્સીએ શ્રીલંકામાં આઈએસનું આતંકી હુમલાનું ષડયંત્ર હોવાની ચેતવણી આપી હતી, પરંતુ અધિકારીઓએ એ ચેતવણીને ગંભીરતાથી લીધી ન હતી અને મને અંધારામાં રાખ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે શ્રીલંકામાં અત્યારે આઈએસના ૧૩૦ આતંકવાદીઓ સક્રિય છે. પ્રમુખે કહ્યું હતું કે શકમંદોમાંથી ઘણાની અટકાયત કરવામાં આવી છે. શ્રીલંકાના હુમલામાં ૨૫૩ લોકોના મોત થયા હતા અને ૫૦૦ જેટલા ઘવાયા હતા.
દરમિયાન શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ મહત્વપૂર્ણ નિવેદન આપતા એમ પણ કહ્યું હતું કે શ્રીલંકામાં આઈએસમાં જોડાયેલા હોય એવા ઘણાં છે, પરંતુ આઈએસ વિદેશી આતંકવાદી સંગઠન છે અને શ્રીલંકાના કાયદા પ્રમાણે વિદેશી આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા નાગરિકો વિરૃદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકતી નથી. તે કારણે પોલીસ શકમંદોની ધરપકડ કરી શકતી નથી.
હુમલાની જવાબદારી સ્વીકારીને શ્રીલંકાના પોલીસ વડા પૂજિત જયસુંદરાએ રાજીનામુ આપ્યું હોવાનું પણ પ્રમુખે જણાવ્યું હતું. પ્રમુખે સ્વીકાર્યું હતું કે આ હુમલામાં ગુપ્તચર તંત્રની નિષ્ફળતા હતી એટલે હુમલા માટે સરકારી અધિકારીઓ જવાબદાર છે. સિરિસેનાએ સંરક્ષણ સચિવ અને પોલીસ વડાને રાજીનામુ આપવા જણાવ્યું હતું એટલે સરકારી બંને અધિકારીઓએ રાજીનામુ આપ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W7M9JL
via Latest Gujarati News
0 Comments