બ્રિટનમાં પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીની પોલીસ કસ્ટડી 24 મે સુધી વધારાઇ


30 મેના રોજ સંપૂર્ણ સુનાવણી હાથ ધરાશે 

(પીટીઆઇ) લંડન, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર

પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ નિરવ મોદીને બ્રિટનની કોર્ટથી વધુ એક આંચકો લાગ્યો છે. હવે આ કેસમાં આગામી સુનાવણી ૨૪ મેના રોજ કરાશે. ત્યાં સુધી એટલે કે ૨૪ મે સુધી નિરવ મોદીને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે. 

આ અગાઉ એક અબજ ડોલરના છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં આરોપી નિરવ મોદીને આજે લંડનની કોર્ટમાં રિમાન્ડ પર સુનાવણી માટે જેલમાંથી વીડિયોલિંકથી રજૂ કરવામાં આવ્યો હતો.

  ૨૪ મેના રોજ નિરવ મોદીને ફરીથી વિડિયો લિંકથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ૨૪ મેના રોજ ટૂંકી સુનાવણી કરવામાં આવશે જ્યારે ૩૦ મેના રોજ સંપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે નિરવ મોદીની માર્ચ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. ૪૮ વર્ષીય મોદી દક્ષિણ પશ્ચિમ લંડનની વેંડસવર્થ જેલમાં બંધ છે.  

૨૯ માર્ચે ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બથનોટે નિરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી હતી. તે સમયે મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે એ વાતની પૂરી શંકા છે કે જામીન મળ્યા પછી તે સમર્પણ નહીં કરે. 

આજે થયેલી સુનાવણી નિયમિત પ્રક્રિયાનો ભાગ છે. નિયમો અનુસાર આવા કેસોમાં જ્યુડિશિયલ કસ્ટડી માટે ૨૮ દિવસની સમયસીમા નિર્ધારિત છે.  ઉલ્લેખનીય છે કે બ્રિટનની કોર્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ(સીપીસી)એ આ મહિનાની શરૃઆતમાં જણાવ્યું હતું કે નિરવ મોદી જામીન અરજી ફગાવવાની વિરુદ્ધ બ્રિટનની હાઇકોર્ટમાં અપીલ કરશે. જો કે અત્યાર સુધીમાં તેના દ્વારા કોઇ અપીલ દાખલ કરવામાં આવી નથી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VxsjdO
via Latest Gujarati News

Post a Comment

0 Comments