
(પીટીઆઈ) વારાણસી, તા.26 એપ્રિલ, 2019, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની બેઠક માટે લોકસભાની ચૂંટણીનું ઉમેદવારી પત્રક ભર્યું ત્યારે ભાજપ અને સાથીપક્ષોના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ તકે એનડીએની એકતા જોવા મળી હતી. ફોર્મ ભરતા પહેલાં મોદીએ બૂથ લેવલના કાર્યકરોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી. વારાણસીથી ફોર્મ ભર્યું તે વખતે એનડીએની એકતા જોવા મળી હતી.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ, જદ(યુ)ના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, લોજપાના અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન, શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે, શિરોમણી અકાલીદળના પ્રકાશ સિંહ બાદલ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, માર્ગ અને પરિવહન મંત્રી નીતીન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના ભાજપના પ્રભારી જેપી નડ્ડા જેવા મહત્વના તમામ નેતાઓ હાજર રહ્યા હતા.
મોદીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં કાળ ભૈરવ મંદિરમાં પૂજા કરી હતી. બનારસ હિંદુ યુનિવર્સિટી કોલેજના પૂર્વ આચાર્યા અને પંડિત મદન મોહન માલવિયા જેમને દીકરી કહેતા તે અન્નપૂર્ણા શુક્લા અને પ્રકાશસિંહ બાદલના ચરણસ્પર્શ કરીને મોદીએ આશીર્વાદ લીધા હતા.
ઉમેદવારી પત્ર ભર્યું તે પહેલાં મોદીએ બૂથ લેવલના કાર્યકરોને સંબોધ્યા હતા. મોદીએ કહ્યું હતું કે સૌથી વધુ મત જીતીએ કે ન જીતીએ, પરંતુ લોકશાહી જીતવી જોઈએ. મોદીએ એક દિવસ પહેલાં વારાણસીમાં થયેલા રોડ-શોને યાદ કરીને કહ્યું હતું કે કાશીને તો ગઈકાલે જ જીતી લીધું હતું.
મોદીએ કાર્યકરોને ઉત્સાહિત કરતા કહ્યું હતું કે વારાણસીની ચૂંટણીનું પરિણામ એવું આવવું જોઈએ કે જેના ઉપર રાજકીય પંડિતોને ચૂંટણી જીતવાની ઈચ્છા થાય. વડાપ્રધાને દાવો કર્યો હતો કે દેશમાં આઝાદી પછી પ્રથમ વખત સરકારની તરફેણમાં લોકજૂવાળ છે. સામાન્ય રીતે સરકારે શાસન વિરોધી લહેરનો સામનો કરવો પડે છે, પરંતુ અત્યારે દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સરકારની તરફેણમાં મોજું ફરી વળ્યું છે.
હું જીતી જવાનો છું એમ માનીને મતદાન કરવાનું ટાળતા નહીં : મોદી
ત્રણ તબક્કાનું મતદાન જોયા પછી હાર ભાળી ગયેલા મોદીએ બેચેનીથી મતદારોને અપીલ કરવી પડી : કોંગ્રેસનો ટોણો
વારાણસીમાં ઉમેદવારી પત્રક ભર્યા પછી મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ઘણાં લોકો એમ કહેતા ફરે છે કે મોદી તો જીતી જશે એટલે મતદાન નહીં કરીએ તો પણ ચાલશે, પરંતુ તમે એવું માનીને મતદાન કરવાનું ટાળતા નહી. મતદાન તમારો અધિકાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યું તે પછી તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે ઘણાં લોકો એવો માહોલ બનાવી રહ્યા છે કે હવે મોદીજી તો જીતી જ જવાના છે, પછી મતદાન કરવાની શું જરૃર છે? પણ તમે લોકો એવી વાતમાં આવી ન જતા. મતદાન તમારો અધિકાર છે અને તમે જહેમત ઉઠાવીને મતદાન તો ચોક્કસ કરજો.
મોદીએ વારાણસીથી આ અપીલ કરી પછી કોંગ્રેસે વ્યંગ કરતા કહ્યું હતું કે ત્રણ તબક્કાનું મતદાન જોયા પછી હવે મોદી હાર ભાળી ગયા છે એટલે બેચેનીથી મતદારોને અપીલ કરતા નજરે પડે છે. કોંગ્રેસ પ્રવક્તા રાજીવ શુક્લાએ જણાવ્યું કે અમારુ આકલન એવું કહે છે કે ત્રણ તબક્કાના મતદાનમાં ભાજપને મોટું નુકસાન થઈ રહ્યું છે. તે જોઈને જ બેચેનીથી મોદીએ પોતાના મતવિસ્તારમાં પણ મતદારોને મત આપવાની અપીલ કરવી પડે છે.
મોદીની બાયોપિક પરથી પ્રતિબંધ હટાવવાનો સુપ્રીમનો ઈનકાર
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૬
મોદીની બાયોપિક ઉપર આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે પ્રતિબંધ મૂક્યો હતો એટલે ફિલ્મની રીલિઝ તારીખ પાછી ઠેલવી પડી હતી. તે પછી ફિલ્મનિર્માતાએ રીલિઝ ઉપર લાગેલો પ્રતિબંધ હટાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં દલીલ થઈ હતી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને લીલીઝંડી આપી દીધી હોવાથી ફિલ્મની રીલિઝ રોકવી યોગ્ય નથી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે જે નિર્ણય લીધો હશે તે યોગ્ય જ હશે અને ચૂંટણીપંચના નિર્ણયમાં દખલ કરવી યોગ્ય નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર બનેલી ફિલ્મ રીલિઝ થાય તે પહેલાં ચૂંટણીપંચે અટકાવી દીધી હતી. તેમાં વિપક્ષ ઉપર પાયાવિહોણા ગંભીર આરોપ થયા હોવાની અરજી ચૂંટણીપંચે ધ્યાનમાં લીધી હતી અને ચૂંટણી દરમિયાન તેની રીલિઝ કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pw9RNm
via Latest Gujarati News
0 Comments