સૈન્ય કાફલાની સુરક્ષા માટે શ્રીનગર હાઇવે બંધ કરાતા બે હજાર વાહનો ફસાયા


જમ્મુ અને શ્રીનગર બન્ને તરફથી હાઇવે પર સુરક્ષા કાફલો પસાર થઇ રહ્યો હતો માટે આ પગલુ ભરાયું : તંત્રની સ્પષ્ટતા

ઓમર અબ્દુલ્લાએ આ પગલાને મગજ વગરનું ગણાવ્યું, નિર્ણય સામે કોર્ટમાં જવાની મેહબુબાની ચીમકી 

નવી દિલ્હી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર

જમ્મુ-શ્રીનગર હાઈવે રવિવારે સ્થાનિક નાગરિકોના પરિવહન માટે બંધ રહ્યો હતો. સ્થાનિક વાહનો પર પ્રતિબંધના નિર્ણયનો અમલ કરાવવા માટે બારામુલ્લાથી ઉધમપુર વચ્ચેના ૨૭૦ કિમી લાંબા હાઈવે પર સુરક્ષાનો આકરો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના કાફલાને સુરક્ષિત માહોલ આપવા માટે રવિવારથી જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ઉધમપુરથી બારામુલ્લા સુધી ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફક્ત સુરક્ષા દળના વાહનોનેે જ આ માર્ગ પરથી પરિવહન કરવા માટે મંજૂરી આપવામાં આવેલી છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને સ્વાસ્થ્ય સેવાની જરુરિયાત હોય તો તેને હાઈવેનો ઉપયોગ કરવા માટે અનુમતિ આપવામાં આવશે. આ પ્રતિબંધ આગામી ૩૧ મે સુધી સપ્તાહમાં બે દિવસ રવિવારે અને બુધવારે લાગુ કરવામાં આવશે. 

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો તેવી ઘટનાઓ ફરી ન બને તેની પૂર્વ તકેદારીના ભાગરુપે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં સેનાના કુલ ૪૦ જવાન શહીદ થયા હતા. પ્રતિબંધ દરમિયાન બિમાર નાગરિકો, વિદ્યાર્થીઓ, સહેલાણીઓ, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ તથા ઈમરજન્સીના સમયમાં સામાન્ય નાગરિકો પણ નોડલ અધિકારીની મંજૂરીથી આ હાઈવે પરથી વાહન લઈને પસાર થઈ શકશે. પ્રતિબંધના અમલીકરણ માટે રાજમાર્ગ ઉપર ૫૦૦થી ૧,૦૦૦ મીટરના અંતરે પોલીસ અધિકારીઓ અને મોબાઈલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. 

રાજ્યપાલ પ્રશાસનના આ નિર્ણયને જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકોએ અમાનવીય ગણાવ્યો હતો. જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ આ નિર્ણયના વિરોધમાં કોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી આપી છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબદુલ્લા, ઉપ મંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ આ નિર્ણયની ટીકા કરી છે.

ફારુક અબદુલ્લાએ જણાવ્યું કે વ્યાપારી સંગઠનના પ્રતિનિધિઓએ તેમને મળીને આ નિર્ણયને કારણે તેમને ભારે નુકસાન થયું હોવાની ફરિયાદ કરી હતી. આ રાજમાર્ગ તેમના ધંધાની લાઈફ લાઈન હોવાના કારણે નુકસાન થયું છે અને આ નિર્ણય તાનાશાહી ભરેલો છે. ૩૦૦થી ૩૫૦ કિમી લાંબા હાઈવે પર સ્થાનિકોના પરિવહન પર પ્રતિબંધ મુકવામાં આવતા કાશ્મીરના સાત જેટલા જિલ્લાના લોકોેને અસર પહોંચી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YXsoGD
via Latest Gujarati News

Post a Comment

0 Comments