મધ્ય પ્રદેશમાં ઘઉંના ખેતરોમાં લગાવેલી આગથી 30 ગામના ખેતરો ખાક


(પીટીઆઈ) હોશંગાબાદ, તા.7 એપ્રિલ, 2019, રવિવાર

મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં ઘઉંના પાકની કાપણી બાદ ખેતરમાં બચેલા ઠૂંઠાના નિકાલ માટે આગ લગાવવામાં આવી હતી. ભારે પવનના કારણે આ આગ આસપાસના ખેતરોમાં પણ ફરી વળી હતી અને અનેક એકરમાં ફેલાયેલો ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો હતો. 

હોશંગાબાદના એક ખેતરમાં શુક્રવારે ઘઉંના પાકની કાપણી બાદ બચેલા ઠૂંઠાને સળગાવવામાં આવ્યા હતા. ભારે પવનના કારણે જોતજોતામાં આગે ખૂબ જ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું અને આસપાસના ૩૦ ગામના ખેતરોમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને ૨૫ જેટલા લોકો દાઝ્યા છે જે પૈકીના એકની હાલત ખૂબ ગંભીર છે. હોશંગાબાદ કોતવાલી પોલીસ થાણાના પ્રભારીએ જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે ૭:૩૦ કલાક આસપાસ ઘઉંના ઠૂંઠામાં આગ લગાવવામાં આવી હતી. 

કાપણી બાદ ખેતરમાં બચેલા ઠૂંઠાના નિકાલ માટે લગાવેલી આ આગ વિનાશનું કારણ બની હતી અને આસપાસના ૩૦ ગામના ખેતરો પણ આગના હવાલે થયા હતા. આગને કાબૂમાં લેવા માટે હોશંગાબાદ ઉપરાંત સીહોર, ઔબેદુલ્લાગંજ અને મંડીદીપથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવી પડી હતી.

ફાયર બ્રિગેડની બે ડઝનથી પણ વધારે ગાડીઓએ ભારે જહેમત બાદ શનિવારે આગ પર કાબૂ મેળવ્યો હતો. સરકારે મૃતકોના પરિવારજનોને રુ. ચાર લાખ, ગંભીર રીતે ઈજા પહોંચી હોય તેવા લોકોને રુ. બે લાખ અને સામાન્ય ઈજા પહોંચી હોય તેવા લોકોને રુ. ૫૯,૦૦૦ની સહાય જાહેર કરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I2QQBj
via Latest Gujarati News

Post a Comment

0 Comments