
સુપ્રીમ કોર્ટની અવમાનનાનો ઉદ્દેશ નહોતો, ચોકીદાર ચોર હૈ સુત્રનો ભવિષ્યમાં પણ ઉપયોગ કરતા રહીશું : રાહુલ
નવી દિલ્હી, તા.23 એપ્રિલ, 2019, મંગળવાર
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ભાજપની અરજી પર ચોકીદાર ચોર હૈ વિવાદ મુદ્દે કોર્ટની અવમાનનાની નોટિસ ફટકારી છે. અગાઉ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેના નિવેદનને વિપક્ષે ખોટી રીતે રજુ કર્યું છે, મારુ નિવેદન ઉત્તજન પૂર્વકનું હતું અને તેથી હું આ સમગ્ર મામલે ખેદ વ્યક્ત કરુ છું.
જોકે ભાજપના નેતા મિનાક્ષી લેખીએ રાહુલ ગાંધીના આ જવાબથી સંતોષ નહોતો થયો અને તેમણે સુપ્રીમ કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવામા આવે. જેને પગલે હવે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટની અવમાનનાની નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે આ મામલે ભાજપના નેતા મિનાક્ષી લેખીએ જે અરજી કરી છે તેને લઇને હવે આગામી ૩૦મી એપ્રીલે વધુ સુનાવણી કરીશું. કોર્ટની અવમાનનાની અરજીની સાથે રફાલ મુદ્દે જે રિવ્યૂ પિટિશન થઇ છે તેની પણ સુનાવણી સાથે કરીશું. સુપ્રીમ કોર્ટે ૧૪મી ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રફાલ મુદ્દે જે ચુકાદો આપ્યો હતો તેને લઇને બાદમાં રિવ્યૂ પિટિશન દાખલ થઇ છે.
આ રિવ્યૂ પિટિશનમાં જે પુરાવા રજુ કરવામાં આવ્યા હતા જેને લઇને સરકારે વાંધો ઉઠાવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે સરકારની આ વાંધા અરજીને ફગાવી દીધી હતી અને રફાલ મુદ્દે જે પણ પુરાવા રજુ કરવામા આવ્યા તેને માન્ય રાખ્યા હતા.
સુપ્રીમ કોર્ટના આ જ નિર્ણયને ટાંકીને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હવે રફાલ મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ચોકીદાર નરેન્દ્ર મોદી જ ચોર છે. જોકે ખરેખર સુપ્રીમ કોર્ટે આવુ કહી કહ્યું જ નહોતુ. જેથી રાહુલ વિરુદ્ધ કોર્ટની અવમાનનાની અરજી થઇ હતી.
કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં દલિલ કરતી વેળાએ અભિષેક સિંઘવીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સોમવારે જે જવાબ રજુ કર્યો હતો તેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમે અમારા પક્ષના નેતાઓ અને મંત્રીઓ ઘણા મહિનાઓથી પોતાના કેમ્પેઇનમાં ચોકીદાર ચોર હૈ સુત્રનો ઉપયોગ કરતા રહીયા છીએ અને આગામી દિવસોમાં પણ કરીશું.
જોકે અમારો હેતુ એવો નહોતો કે અમે સુપ્રીમ કોર્ટને પણ આ સુત્રોચ્ચારમાં સામેલ કરીએ. ભાજપ આ મુદ્દાને રાજકીય રંગ આપી રહ્યો છે માટે તેને અહીં ખતમ કરવામાં આવે. જોકે ભાજપના નેતા મિનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના જવાબથી સંતોષ નથી. બાદમાં સુપ્રીમ કોર્ટે રાહુલ વિરુદ્ધ ચોકીદાર ચોર મુદ્દે કોર્ટની અવમાનનાની નોટિસ પાઠવી હતી. હવે આ મામલે ૩૦મીએ વધુ સુનાવણી થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XGRwQF
via Latest Gujarati News
0 Comments