અમે ભારત સાથે સંબધો સુધારવા વુહાન શિખર મંત્રણા યોજવા તૈયાર : ચીન

- મે, 2017માં યોજાયેલા પ્રથમ બીઆરએફમાં ભારતે ભાગ લીધો ન હતો



બેઇજિંગ, તા. 20 એપ્રિલ 2019, શનિવાર

અમે ભારત સાથેના સંબધો સુધારવા માટે તેની સાથે વુહાન-સ્ટાઇલ શિખર મંત્રણા યોજવા તૈયાર છીએ તેમ ચીને જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક હજાર અબજ ડોલરના ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ મુદ્દે ભારત અને ચીન વચ્ચે મતભેદો પ્રવર્તી રહ્યાં છે. ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યું છે. 

ચીનના એક હજાર અબજ ડોલરના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને હાઇલાઇટ કરવા માટે 25 થી 27 એપ્રિલ સુધી ચીને બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કર્યુ છે. આ કાર્યક્રમ અગાઉ મીડિયા કોન્ફરન્સને સંબોધતા ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ભારતને 60 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો વિરોધ ન કરવાની અપીલ કરી છે. ચીને દાવો કર્યો છે કે સીપીઇસીને કાશ્મીર વિવાદ સાથે કોઇ લેવાદેવા નથી. 

વાંગે જણાવ્યું હતું કે ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે થયેલી મંત્રણા ખૂબ જ સફળ રહી હતી.આ બેઠકમાં બંને નેતાઓ એકબીજાના દેશ વચ્ચેના સંબધોે વધુ મજબૂત બનાવવા સંમત થયા હતાં. 

વાંગે જણાવ્યું હતું કે વુહાન સમિટ પછી બંને દેશોના સંબધોમાં સુધારો જોવા મળ્યો હતો. હવે અમે બંને નેતાઓ માટે આગામી મંત્રણાનું આયોજન કરી રહ્યાં છીએ. 

ચીન દ્વારા વુહાન સમિટના આયોજન પછી બીજી મંત્રણા ભારત આયોજિત કરશે. ભારતમાં ચૂંટણી પૂર્ણ થયા પછી ચીનના પ્રમુખ જિનપિંગ મંત્રણા માટે ભારત આવે તેવી શક્યતા છે.  અત્યાર સુધી ૩7 દેશના વડાઓએ બીઆરએફમાં ભાગ લેવાની સંમતિ આપી છે.  150 દેશોના 5000 પ્રતિનિધિઓ પણ આ મંત્રણામાં ભાગ લેશે. મે, 2017માં યોજાયેલ પ્રથમ બીઆરએફમાં ભારતે ભાગ લીધો ન હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ULtIxP
via Latest Gujarati News

Post a Comment

0 Comments