કાશ્મીરમાં જૈશના બે ખૂંખાર આતંકી ઠાર


શોપિયાંના રહેવાસી બન્ને આતંકીઓએ થોડા દિવસ પહેલા એક પંચાયત કચેરીને ઉડાવી દીધી હતી

મહિલા પોલીસ અધિકારી ખુશ્બૂની હત્યામાં પણ સામેલ હતા

કોઇ પણ સંજોગોમાં જમ્મુમાં આતંકવાદને ઘૂસવા નહીં દઇએ : સૈન્યનો સંકલ્પ 

કિશ્તવાડમાં સંઘ નેતાની હત્યાના પાંચમા દિવસે પણ હિંસક દેખાવો, કર્ફ્યુ લાગુ 

એન્કાઉન્ટર સ્થળેથી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત  

શ્રીનગર, તા.13 એપ્રિલ, 2019, શનિવાર

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શનિવારે પોલીસ અને સૈન્યએ મળીને આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન પાર પાડયું હતું. જેમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર માર્યા હતા.

માર્યા ગયેલા બન્ને આતંકીઓ કાશ્મીરમાં અનેક નાગરીકો અને પોલીસકર્મીઓની હત્યામા સામેલ હતા. માર્યા ગયેલા બન્ને આતંકીઓના નામ અબિદ વગાય અને શાહજહાન મીર છે. આ બન્ને આતંકીઓ શોપિયાંના જ રહેવાસી હતા. આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 

આતંકીઓને ઠાર માર્યા બાદ તેની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ સ્થાનિકોનુ અપહરણ કરી હત્યાની અનેક ઘટનાઓમાં સામેલ હતા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. થોડા દિવસ પહેલા જ આ આતંકીઓએ અહીંના બાતગંદના ફિર્દોશ અહેમદ અને કપરનના રહેવાસી નિસ્સાર અહેમદનું અપહરણ કરીને હત્યા કરી નાખી હતી.

આ ઉપરાંત શોપિયામાં જ ખુશ્બુ જા નામની મહિલા અધિકારીની હત્યામાં પણ સામેલ હતા. જ્યારે તનવીર અહેમદની અપહરણ બાદ હત્યામાં પણ તેઓ સામેલ હતા. બન્ને આતંકીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ હતા અને ઘણા સમયથી નાસતા ફરતા હતા. 

થોડા જિવસ પહેલા અહીંના રામનગરમાં પણ આ બન્ને આતંકીઓએ એક પંચાયત ઘરને ઉડાવી દીધુ હતું. બીજી તરફ સૈન્યએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કોઇ પણ પ્રકારના આતંકવાદને સાંખી નહીં લેવાય. કિશ્તવરમા એક સંઘના નેતાની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જેને પગલે જમ્મુમાં મોટા પ્રમાણમાં હિંસા ફાટી નીકળી હતી.

 આ હત્યાની ઘટનાના પાંચ દિવસ બાદ પણ ઠેરઠેર લોકો રસ્તા પર ઉતર્યા હતા અને હિંસક દેખાવો કર્યા હતા. હિંસાને અટકાવવા માટે કર્ફ્યુ લાદી દેવાયું હતું. કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકી હુમલા વધી રહ્યા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UxKfp8
via Latest Gujarati News

Post a Comment

0 Comments