હૈદરાબાદ, તા.૧૩
વર્લ્ડકપની ટીમની જાહેરાત નજીક છે, ત્યારે શિખર ધવને મેળવેલા ફોર્મથી ઉત્સાહિત દિલ્હી કેપિટલ્સ આવતીકાલે સનરાઈઝર્સને તેના હોમગ્રાઉન્ડ હૈદરાબાદ પર પડકારશે. વોર્નર અને બેરસ્ટો જેવા ધુઆંધાર ખેલાડીઓની હાજરી છતાં હૈદરાબાદ છેલ્લી બે મેચ હારી ચૂક્યું છે અને હવે પ્લે ઓફની રેસના પ્રબળ દાવેદાર તરીકેનું સ્થાન જાળવી રાખવા તેઓએ જીતવું જરુરી બની ગયું છે.
જોકે આખરી મેચમાં ધવનને બતાવતા ફોર્મને કારણે દિલ્હીનો જુસ્સો વધ્યો છે અને તેઓ હૈદરાબાદને તેના જ મેદાન પર હરાવવાના ઈરાદા સાથે ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. દિલ્હી કેપિટલ્સની ટીમ બેંગ્લોર બાદ કોલકાતાને હરાવી ચૂકી છે અને હવે તેઓ સતત ત્રીજી જીત મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે. હવે તેઓની ત્રીજી જીત હૈદરાબાદ માટે સતત ત્રીજી હાર બનશે કે નહી તેનો ફેંસલો આવતીકાલે થશે.
દિલ્હીના બોલરો વિ. હૈદરાબાદના બેટ્સમેનો
દિલ્હી કેપિટલ્સ પાસે આઇપીએલની બેસ્ટ બોલિંગ સ્ક્વોડ છે. રબાડા, ક્રિસ મોરીસ, ઈશાંત શર્મા અને બોઉલ્ટ જેવા ફાસ્ટરો તેમજ અક્ષર પટેલ, અમિત મિશ્રા, લામિચ્છાને જેવા સ્પિનરો ભલભલી ટીમોને હંફાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે હૈદરાબાદ પાસે વોર્નર, બેરસ્ટો, વિલિયમસન, મનીષ પાંડે, વિજય શંકર તેમજ યુસુફ પઠાણ જેવા બેટસમેનો છે, જેઓ એકલા હાથે મેચનું પાસું પલ્ટી નાંખી શકે તેમ છે. હવે આ ક્લાસિક બોલિંગ આક્રમણનો સામનો ઈન ફોર્મ બેટ્સમેનો સામે થશે, ત્યારે રસપ્રદ મુકાબલો ખેલાશે.
રાશિદ-ભુવનેશ્વરની જોડી ધવન-પંતને પડકારશે
હૈદરાબાદની ટીમમાં સામેલ રાશિદ ખાન તેમજ ભુવનેશ્વરની સ્પિન-ફાસ્ટરી બોલિંગ જોડી કમાલ દેખાડી રહી છે. હવે જ્યારે ધવન અને પંત જેવા બેટ્સમેનો ફોર્મમાં છે, ત્યારે તેમની કસોટી રાશિદ-ભુવનેશ્વર કરશે. હૈદરાબાદના બોલિંગ આક્રમણને નાબી, સિદ્ધાર્થ કૌલ અને સંદીપ શર્મા વધુ ધારદાર બનાવી રહ્યા છે. બીજી તરફ દિલ્હીની ટીમની બેટીંગ ધવન અને પંતની સાથે સાથે પૃથ્વી શૉ, ઐયર તેમજ ઈન્ગ્રામ પર આધારિત છે, જેઓ પણ હવે ટીમને પ્લે ઓફ સુધી પહોંચાડવા માટે મહેનત કરી રહ્યા છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GngSNM
via Latest Gujarati News
0 Comments