ટીવી પર મુહમ્મદ અલીનો મુકાબલો જોયા બાદ બોક્સિંગ અપનાવ્યું : મેરી

પણજી, તા.૧૩

ભારતની એકમાત્ર ઓલિમ્પિક મેડાલીસ્ટ મહિલા બોક્સર અને છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે રોચક ખુલાસો કરતાં કહ્યું હતુ કે, લેજન્ડરી બોક્સર મુહમ્મદ અલીને ટીવી પર મુક્કેબાજી કરતાં જોયા બાદ મેં બોક્સિંગમાં કારકિર્દી ઘડવાનો નિર્ણય લીધો હતો. હુ ત્યારે વિચારતી કે જો પુરુષો બોક્સિંગ કરી શકે તો મહિલાઓ શા માટે નહિ ? બસ, આ જ વિચાર સાથે મેં બોક્સિંગમા ઝંપલાવ્યું હતુ. 

ગોવા ફિસ્ટ કાર્યક્રમમાં બોલતા મેરી કોમે કહ્યું કે, મને બોલીવૂડની ફિલ્મો પણ ખુબ જ ગમે છે. ખાસ કરીને અક્ષય કુમાર, સંજય દત્ત, સની દેઓલ વિગેરે જેવા અભિનેતાની એક્શન ફિલ્મો મને ખુબ જ ગમતી. તેણે એમ પણ ઊમેર્યુ કે, મેં જ્યારે બોક્સિંગ શરૃ કર્યું ત્યારે છોકરીઓ બોક્સિંગ કરે તે ખુબ જ અસામાન્ય બાબત ગણાતી. મારે બોક્સિંગ કારકિર્દીને શરૃઆતમાં ઘણી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. લગ્ન પહેલા તો બોક્સિંગ કરવી આસાન હતી, પણ લગ્ન બાદ જવાબદારી વધતાં ભારે સંઘર્ષ કરવો પડતો. 

મેરીએ કહ્યું હતુ કે, આજે બધુ જ હોવા છતાં ભારતીય સ્પોર્ટસ વર્લ્ડમાં એક બાબતની ખોટ છે અને તે છે ચેમ્પિયન્સ. ભારત પાસે હવે નવા ચેમ્પિયનો આવી રહ્યા નથી અને આ જ બાબત ભારતીય રમત જગત માટે પરેશાનીનું કારણ છે. જોકે આ અંગે તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હું સરકાર કે ફેડરેશનનની ટીકા કરી રહી નથી, પણ ખેલાડીઓને આ માટે દોષીત માનું છું. આજે તમામ સુવિધાઓ હોવા છતાં ભારતને ચેમ્પિયન ખેલાડીઓ મળતાં નથી અને તે માટે ખેલાડીઓ જ જવાબદાર છે. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Isyp8w
via Latest Gujarati News

Post a Comment

0 Comments