નવી દિલ્હી, તા.૧૩
આઇપીએલમાં રાજસ્થાન સામેની મેચની આખરી ઓવરમાં નો-બોલ વિવાદ દરમિયાન આઉટ થઈને મેદાન છોડી ગયેલો ધોની જાણે ગલી ક્રિકેટ રમતો હોય તેમ મેદાનની અંદર ધસી ગયો હતો અને અમ્પાયરો સાથે ખુબ જ ગુસ્સામાં દલીલબાજી કરી હતી. આ પછી આઇપીએલે તેને માત્ર ૫૦ ટકા મેચ ફીની હળવી સજા ફટકારતાં પ્રશ્નાર્થ સર્જાયો છે. આ ઘટના અંગે સેહવાગે ચાહકોને વિચારતા કરી દે તેવી રસપ્રદ કોમેન્ટ કરતાં કહ્યું છે કે, જો તેણે ભારતની ટીમ માટે આ પ્રકારનું વર્તન કર્યું હોત તો હું ખુશ થાત. ભારતીય ટીમની કેપ્ટન્સી કરતાં મેં તેને ક્યારેય ગુસ્સે થતાં જોયો નથી. મને લાગે છે કે, તે ચેન્નાઈની ટીમ તરફ વધુ લાગણી ધરાવે છે.
સેહવાગે એમ પણ કહ્યું કે, ધોનીએ જે પ્રકારની વર્તણૂંક કરી તે અત્યંત ગંભીર હતી, તેના પર બે-ત્રણ મેચનો પ્રતિબંધ મૂકાવો જોઈતો હતો.
એક સમયના દિગ્ગજ ઓપનર સેહવાગે ઊમેર્યું કે, ધોનીને હળવી સજા કરીને આઇપીએલના સત્તાધીશોએ અયોગ્ય મેસેજ આપ્યો છે. ધોનીની હળવી સજાને જોઈને ભવિષ્યમાં અન્ય કોઈ કેપ્ટન પણ મેદાનમાં ઘુસી જશે અને અમ્પાયરો સાથે દલીલબાજી કરવા માંડશે. ધોનીએ મેદાન પર જવાની જરુર જ નહતી, કારણ કે મેદાન પરના ચેન્નાઈના બે બેટ્સમેનો પણ અમ્પાયરોને ખુલાસો માંગી રહ્યા હતા. ગાંગુલીએ ધોનીનો બચાવ કરતાં કહ્યું હતુ કે, આખરે તે પણ માણસ છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GlIz9t
via Latest Gujarati News
0 Comments