કોલકાતા, તા.૧૩
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આવતીકાલે ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. કોલકાતાનો સુપરસ્ટાર ઓલરાઉન્ડર રસેલ ઈજાગ્રસ્ત હોવાથી આવતીકાલની મેચમાં રમવા માટે શંકાસ્પદ મનાય છે, જેના કારણે કોલકાતાની ચિંતા વધી ગઈ છે. રાજસ્થાન સામેની મેચમાં નો-બોલ વિવાદ બાદ મેદાન પર ધસી ગયેલા ધોનીએ ઉગ્ર વિવાદ સર્જ્યો હતો. જે પછી તે પહેલી મેચ રમવા જઈ રહ્યો છે, ત્યારે તેના પર પણ બધાની નજર રહેશે. ઈડન ગાર્ડનમાં સાંજે ૪.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
ચેન્નાઈની ટીમે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે અને હવે તેઓ પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવાના આરે છે, ત્યારે તેમના માટે ઈડન ગાર્ડનમાં જીતવું મહત્વનું બની રહેશે.
કોલકાતા નાઈટ રાઈડર્સની સફળતાના પાયામાં રસેલની ભૂમિકા મહત્વની રહી છે. જોકે દિલ્હી સામેની આખરી મેચમાં રસેલ કાંડાની ઈજાના કારણે પરેશાન જોવા મળ્યો હતો, જેના કારણે તે આવતીકાલની મેચમાં રમવા માટે અનિશ્ચિત મનાય છે. રસેલ ૨૧ બોલમાં ૪૫ રનની ઈનિંગ દરમિયાન પરેશાન જોવા મળ્યો હતો. જ્યારે તે તેની ચાર ઓવરનો ક્વોટા પણ પૂરો કરી શક્યો નહતો.
જો રસેલ નહી રમે તો પણ કોલકાતાની ટીમને મુશ્કલી પડે તેમ લાગતું નથી. તેમની પાસે ક્રિસ લીન, ડેન્લી, ઉથપ્પા, શુભમન ગીલ, કાર્લોસ બ્રાથવેઈટ તેમજ દિનેશ કાર્તિક જેવા બેટસમેનો છે. જોકે ચેન્નાઈની ટીમમાં ધોનીની સાથે વોટસન, બ્રાવો, રાયડુ, જાધવ, ડુ પ્લેસીસ, મુરલી વિજય તેમજ સાન્ટનર જેવા ખેલાડીઓ છે.
કોલકાતા પાસે કુલદીપ, ચાવલા અને સુનિલ નારાયણ છે, પણ ફાસ્ટ બોલિંગની જોડી કમજોર લાગી રહી છે. ચેન્નાઈ પાસે જાડેજા, કુગ્લાઈન, ચાહર, તાહીર તેમજ હરભજન જેવા સ્પિનરો છે. જે હરિફોને પરેશાન કરશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IwEOzu
via Latest Gujarati News
0 Comments