સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં રાજદ પ્રમુખ લાલુની જામીન અરજીનો વિરોધ કર્યો

 

નવી દિલ્હી, તા. ૯

સીબીઆઇએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં લાલુપ્રસાદ યાદવની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થઇ જામીનનો દુરુપયોગ કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવ હાલમાં ઘાસચારા કૌભાંડ કેસમાં રાંચી સ્થિત બુરસા મુંડા કેન્દ્રીય જેલમાં સજા કાપી રહ્યાં છે. 

સીબીઆઇએ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠ પાસેથી લાલુની જામીન અરજી પર જવાબ દાખલ કરવાની મંજૂરી માગી હતી. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે લાલુ પ્રસાદ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થઇ શકે છે અને જામીનનો દુરુપયોગ કરી શકે છે. 

સીબીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે આમ પણ લાલુપ્રસાદ યાદવ છેલ્લા આઠ મહિનાથી પણ વધુ સમયથી હોસ્પિટલના વોર્ડમાં છે અને રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ છે. 

સીબીઆઇએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે લાલુપ્રસાદ યાદવને હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતા વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તે પરોક્ષ રીતે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઇ રહ્યાં છે. તેમની મુલાકાત લેનારાઓની યાદી પરથી આ વાત સ્પષ્ટપણે સાબિત થાય છે. 

એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે લાલુ એક તરફ દાવો કરે છે કે તે એટલા બિમાર છે કે જેલમાં રહી શક્તા નથી અને હવે એટલા સ્વસ્થ થઇ ગયા છે કે તે જામીન પર બહાર જવા માગે છે. 

રાંચીમાં બિરસા મુંડા જેલમાં બંધ રાજદ સુપ્રીમોએ પોતાની જામીન ફગાવવાના ઝારખંડ હાઇકોર્ટના ૧૦ જાન્યુઆરીના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

લાલુ પ્રસાદને ૯૦૦ કરોડ રૃપિયાના ઘાસચારા કૌભાંડથી સંબધિત ત્રણ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસ ૧૯૯૦ના દાયકાના છે, જ્યારે ઝારખંડ બિહારનો ભાગ હતો.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kk9431
via Latest Gujarati News

Post a Comment

0 Comments