
વડા પ્રધાન પદના દાવેદાર ઉમેદવાર જે બેઠક પરથી લડતા હોય એ બેઠક આપોઆપ હાઈ-પ્રોફાઈલ બની જતી હોય છે. ભારતને અત્યાર સુધીમાં ૧૪ વડા પ્રધાન મળ્યા છે.
એ કઈ કઈ બેઠક પરથી આવ્યા છે? કઈ બેઠક વડા પ્રધાન આપવા માટે જાણીતી છે, તો કઈ બેઠકે વડા પ્રધાનને પણ હરાવ્યા છે? હાઈ-પ્રોફાઈલ બેઠકોનો રસપ્રદ ઈતિહાસ..
અટલ બિહારી વાજપેયી - લખનૌ (ઉત્તર પ્રદેશ)
કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠક રહેલી લખનૌ સીટને ૧૯૯૧માં જીતીને વાજપેયીએ ત્યાં કેસરિયો લહેરાવ્યો હતો. પહેલી ચૂંટણીમાં અહીંથી વિજયા લક્ષ્મી પંડિત વિજેતા થયા હતા. એ પછી સરોજીની નાયડુ અહીંના સાંસદ બન્યા હતા. ૧૯૯૧થી લઈને છેક ૨૦૦૯ સુધી વાજપેયી અહીંના સાંસદ હતા. જોકે એ પહેલા વાજપેયી અહીંથી ૨ વખત હારી પણ ગયા હતા. કોંગ્રેસનો ગઢ હવે ભાજપના કિલ્લામાં ફેરવાઈ ચૂક્યો છે.
વાજપેયી પછી લાલજી ટંડન ચૂંટાયા હતા, હવે તો ગૃહ મંત્રી રાજનાથસિંહ અહીંના સાંસદ છે. ફરીથી રાજનાથસિંહ જ ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૧૪માં અહીંથી રાજનાથસિંહ સામે રીટા બહુગુણા જોશી હાર્યા હતા, કેમ કે તેઓ કોંગ્રેસમાં હતા. ફતેહપુર સીક્રીથી લડી રહેલા રાજ બબ્બર પણ અહીં હારનો અનુભવ મેળવી ચૂક્યા છે. એક વખત જનતા દળને બાદ કરતા આ બેઠક કાયમી ધોરણે ભાજપ-કોંગ્રેસ પાસે જ રહી છે. સમાજવાદી પાર્ટી કે બહુજન સમાજ અહીં ક્યારેય ફાવ્યા નથી.
ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા (ગુજરાત)
વડાપ્રધાન નહેરુના અચાનક અવસાનથી ગુલઝારીલાલને ૧૩ દિવસ માટે વડા પ્રધાન પદ સંભાળવાનું આવ્યુ હતુ. પંજાબના શિયાલકોટમાં જન્મેલા ગુલઝારીલાલ ૯૯ વર્ષની પાકટ વયે અમદાવાદમાં અવસાન પામ્યા હતા. શ્રી નંદા સાબરકાંઠા બેઠક પરથી ૧૯૫૧-૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ એમ ત્રણ વખત ચૂંટાયા હતા. છેલ્લી બે ટર્મથી આ બેઠક ભાજપ પાસે છે.
આ વખતે ભાજપે અહીંથી ગયા વખતના વિજેતા દીપસિંહ રાઠોડને જ્યારે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવાર રાજેન્દ્ર ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પરથી ભૂતકાળમાં એચ.એમ.પટેલ (૧૯૭૭), લંકેશ તરીકે જાણીતા અરવિંદ ત્રિવેદી (૧૯૯૧), અમરસિંહ ચૌધરીના પત્ની નિશાબહેન ત્રણ વખત, જ્યારે કોંગ્રેસના અગ્રણી નેતા મધુસુદન મિસ્ત્રી બે વખત ચૂંટાઈ ચૂક્યા છે.
આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલા, મધુસુદન મિસ્ત્રી, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, એચ.એમ.પટેલ.. વગેરે હારી પણ ચૂક્યા છે. શાસ્ત્રીજીનું પણ અચાનક અવસાન થયું ત્યારે ફરીથી સાબરકાંઠાના સાંસદ શ્રી નંદાને ૧૩ દિવસ માટે વડાપ્રધાન પદ સોંપવામાં આવ્યુ હતુ.
મોરારજી દેસાઈ - સુરત (ગુજરાત)
માર્ચ ૧૯૭૭માં મોરારજી ભાઈ વડા પ્રધાન બન્યા ત્યારે તેઓ ડાયમંડ સિટી સુરતના સાંસદ હતા. મોરારજી દેસાઈ અહીંથી ચાર વખત ચૂંટાયા હતા. કોંગ્રેસના અગ્રણી સી.ડી.પટેલ, ભાજપના કદાવર નેતા કાશીરામ રાણા અહીંથી ચૂંટાતા આવ્યા છે. બે વખતથી આ બેઠક ભાજપ પાસે છે.
૨૦૦૯માં અને ૨૦૧૪માં ભાજપના દર્શના દરદોશ અહીંથી વિજેતા થયા છે. આ વખતે પણ તેઓ જ લડી રહ્યા છે. ૨૦૦૯માં અહીંથી મોટા ઉદ્યોગપતિ ધીરૂ ગજેરા કોંગ્રેસમાંથી હારી ગયા હતા. આ વખતે કોગ્રેસે પાટીદાર એવા યુવા બિઝનેસમેન અશોકભાઇ વલ્લભભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બે વર્ષ પહેલાનું પાટીદાર અનામત આંદોલન અને સુરતમાં પાટીદાર મતદારોની વસ્તીને ધ્યાને રાખી પાટીદાર ઉમેદવારની પસંદગી કરી છે.
ઈન્દિરા ગાંધી - મેડક (આંધ્ર પ્રદેશ)
ઉત્તર ભારતમાંથી ઘણા પ્રધાનમંત્રી આવી ગયા પછી દક્ષિણ તરફ નજર ઈન્દિરા ગાંધીએ કરી હતી. ૧૯૮૦માં ઈન્દિરા ગાંધીએ અહીંથી ચૂંટણી લડયા હતા, વિજયી થયા હતા, ફરીથી વડા પ્રધાન બન્યા હતા અને એ કાર્યકાળમાં જ તેમની હત્યા કરી દેવાઈ હતી. ૧૭માંથી ૯ વખત અહીં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. છેલ્લા ચાર વખતથી જોકે આ બેઠક કોંગ્રેસ પાસેથી તેલંગાણા રાષ્ટ્રીય સમિતિએ આંચકી લીધી છે.
તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પોતે ૨૦૧૪માં અહીંથી ચૂંટાયા હતા. એ પછી તેઓ મુખ્યમંત્રી બન્યા એટલે બેઠક ખાલી કરી દીધી હતી. અત્યારે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના જ કે.પી.રેડ્ડી અહીંના સાંસદ છે. ભાજપ માટે આ બેઠક ઘણી દૂર છે. સૌથી નજીક ૨૦૦૪માં હતી, જ્યારે ભાજપના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા હતા. આ વખતે પહેલા તબક્કામાં જ ૧૧ એપ્રિલે અહીં મતદાન થઈ ચૂક્યુ છે.
પી.વી.નરસિંહ રાવ - નાન્દયાલ (આંધ્ર પ્રદેશ)
દક્ષિણથી દિલ્હી પહોંચનારા બીજા વડા પ્રધાન નરસિંહ રાવ વતા. આ બેઠક મોટે ભાગે તો કોંગ્રેસના કબજામાં રહી છે. ૧૬માંથી ૧૨ સાંસદ કોંગ્રેસના રહ્યા છે. કોંગ્રેસ પછી બીજા નંબરે હોલ્ટ તેલુગુ દેશમ્ પાર્ટીનો રહ્યો છે. જોકે અત્યારે એ બેઠક પર કોંગ્રેસ કે ટીપીડીને બદલે વાયઆરએસ કોંગ્રેસના સાંસદ રાજ કરે છે.
૧૯૯૧માં વડા પ્રધાન બનવાનું આવ્યુ ત્યારે સત્તા સંભાળ્યા પછી નરસિંહ રાવ અહીંથી પેટા ચૂંટણી લડીને જીત્યા હતા. એ પછી ૧૯૯૬માં પણ ફરીથી અહીંથી ચૂંટાયા હતા. અત્યારે પણ અહીંથી ભાજપ, કોંગ્રેસ, વાયઆરએસ કોંગ્રેસ અને ટીડીપી એમ ચાર પક્ષ લડી રહ્યા છે.
લાલબહાદુર શાસ્ત્રી - ઈલાહાબાદ (ઉત્તર પ્રદેશ)
ઈલાહાબાદ (હવે પ્રયાગરાજ)માંથી ત્રીજા વડા પ્રધાન શાસ્ત્રીજી ચૂંટાયા હતા. ૧૯૫૧થી લઈને ૧૯૭૧ સુધી આ બેઠક કોંગ્રેસ પાસે રહી હતી. એ પછી ભારતીય ક્રાંતિ દળ, ભારતીય લોક દળ, ફરીથી કોંગ્રેસ એમ ફરતી રહી છે. છેલ્લે ૨૦૧૪માં ભાજપના શ્યામશરણ ગુપ્તા અહીંથી ચૂંટાયા હતા. આ બેઠક પરથી પણ ભાવી વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ ૧૯૮૦માં અને ૧૯૮૮માં એમ બે વખત ચૂંટાયા હતા.
અહીંથી મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પણ ૧૯૮૪માં ચૂંટાઈ ચૂક્યા છે. એ સિવાય ૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯ એમ ત્રણ વખત ભાજપના મુરલી મનોહર જોશી અહીંના સાંસદ હતા. મુરલી મનોહર જોશી જોકે ૨૦૦૪માં અહીંથી હાર્યા પણ હતા. એ રીતે ૧૯૭૭માં વી.પી.સિંહ પણ અહીંથી હાર્યા હતા. આ વખતે ભાપજે ઉત્તર પ્રદેશમાં મંત્રીપદ ધરાવતા અને મૂળ કોંગ્રેસી રીટા બહુગુણા જોશીને મેદાનમાં ઉતાર્યા છે.
જવાહરલાલ નહેરુ ફુલપુર (ઉત્તર પ્રદેશ)
ભારતને પ્રથમ વડા પ્રધાન ઉત્તર પ્રદેશની ઈલાહાબાદ (પ્રયાગરાજ) પાસે આવેલી આ બેઠકે આપ્યા હતા. ફુલપુર બેઠકની હેઠળ સાત વિધાનસભા આવે છે અને ૨૦૧૮ની ગણતરી પ્રમાણે ત્યાં ૧૮ લાખથી વધારે મતદારો છે. આ વખતે ત્યાં ભાજપમાંથી શ્રીમતિ કેશરી પટેલ, કોંગ્રેસમાંથી પંકજ નિરંજન લડી રહ્યા છે. ૧૯૭૧માં અહીંથી ભાવી વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ પણ ચૂંટાયા હતા. તો વળી રામમનોહર લોહિયા (૧૯૬૨માં) અને બહુજન સમાજ પક્ષના કાંશીરામ (૧૯૯૬)માં હારી પણ ચૂક્યા છે.
૧૯૫૨, ૫૭ અને ૬૨ એમ ત્રણ વખત જવાહરલાલ અહીંથી ચૂંટાયા હતા. એ પછી જવાહરલાલના બહેન વિજયાલક્ષ્મી પંડિત ૧૯૬૪ અને ૧૯૬૭માં અહીંથી ચૂંટાયા હતા. છેલ્લા નોંધપાત્ર ઉમેદવાર ૨૦૧૪માં ચૂંટાયેલા કેશવપ્રસાદ મૌર્ય હતા. હવે તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી હોવાથી ત્યાં પેટા ચૂંટણી થઈ હતી. એ પછી આ બેઠક સમાજવાદી પક્ષના નેતા નગેન્દ્ર પ્રતાપ સિંહ પટેલ પાસે છે. તેઓ ૬૦ હજાર મતથી જીત્યા હતા.
રાજીવ ગાંધી અમેઠી (ઉત્તર પ્રદેશ)
આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે કેમ કે ૧૬માંથી ૧૪ વખત કોંગ્રેસી ઉમેદવાર વિજેતા થયા છે. ૧૯૮૦માં અહીંથી સંજય ગાંધી ચૂંટાયા હતા. એ પછી રાજીવ ગાંધીને અહીંથી લડાવાયા હતા. રાજીવ ગાંધી અહીંથી કુલ ચાર વખત સાંસદ રહ્યા હતા. એમાંથી બે વખત સળંગ વડા પ્રધાન રહ્યા હતા.
રાજીવ ગાંધી પછી કોંગ્રેસના જ સતિષ શર્મા, સંજય સિંહ વગેરે ચૂંટાયા. ૧૯૯૯માં સોનિયા ગાંધી અહીંથી ચૂંટાયા હતા. એ પછીથી એટલે કે ૨૦૦૪થી રાહુલ ગાંધી અહીંના સાંસદ છે. આ વખતે પણ રાહુલ સામે ૨૦૧૪ની માફક ભાજપમાંથી સ્મૃતિ ઇરાની ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૧૪માં ઈરાની અહીંથી લાખેક વોટના માર્જિનથી પરાજીત થયા હતા. ભૂતકાળમાં અહીંથી મેનકા ગાંધી, સંજય ગાંધી પણ પરાજયનો સ્વાદ ચાખી ચૂક્યા છે.
વિશ્વનાથ પ્રતાપ સિંહ ફતેહપુર (ઉત્તર પ્રદેશ)
વિવિધ બેઠકો પરથી લડતા વિશ્વનાથ પ્રતાપ સિંહ ૧૯૮૯માં જનતા દળ તરફથી વડા પ્રધાન બન્યા ત્યારે ફતેહપુરના સાંસદ હતા. આ બેઠકના મતદારો એક અને બહુ બહુ તો બે ટર્મ થાય ત્યાં સાંસદ બદલાવી નાખે છે. એટલે અહીંથી કોંગ્રેસ, ભારતીય લોકદળ, જનતા પાર્ટી, જનતા દળ, બહુજન સમાજ પાર્ટી, ભાજપ, બહુજન સમાજ સમાજવાદી પાર્ટી.. એમ વિવિધ પક્ષના સાંસદો ચૂંટાયા છે.
એટલુ જ નહીં ૧૯૬૨માં તો અહીંથી અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા. અત્યારે નિરંજના જ્યોતિ અહીંના સાંસદ છે. ભાજપે તેમને જ રિપિટ કર્યા છે, બહુજન સમાજે સુખદેવ પ્રસાદ વર્માને ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી રાકેશ સચાણ લડી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં જ બીજી ફતેહપુર સિક્રી નામની બેઠક છે, જેની સાથે આ નામનો ઘણી વખત ગોટાળો થતો હોય છે.
નરેન્દ્ર મોદી - વારાણસી (ઉત્તર પ્રદેશ)
નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા બન્ને બેઠક પરથી લડયા હતા, બન્નેમાં જિત્યા હતા અને પછી વડોદરા બેઠક પરથી રાજીનામુ આપ્યુ હતુ. માટે વારણસી તેમની બેઠક ગણવી રહી. મોદી પહેલા અહીંથી ૨૦૦૯માં મુરલી મનોહર જોશી વિજેતા થયા હતા. શરૂઆતમાં કોંગ્રેસ પછી હવે આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. વચ્ચે-વચ્ચે એકાદ ટર્મ પુરતા બીજા પક્ષના ઉમેદવારો પણ વિજેતા થયા છે.
૧૯૮૯માં અહીંથી લાલ બહાદુર શાસ્ત્રીના દીકરા અનિલ શાસ્ત્રી પણ જનતા દળના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તો વળી ઈન્દિરા ગાંધીને હરાવનારા રાજ નારાયણ અહીંથી ૧૯૮૦માં હારી ગયા હતા. છેલ્લે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સામે અરવિંદ કેજરીવાલ ઉભા રહ્યા હતા અને પોણા ચાર લાખ મતથી પરાજિત થયા હતા. આ વખતે મોદી સામે પ્રિયંકા ગાંધી લડે એવી વાતો સંભળાય છે. દરમિયાન એક પૂર્વ જજ, એક પૂર્વ સૈનિક, એક ધર્મગુરુ અને તમિલનાડુના ૧૧૧ ખેડૂતો અહીંથી વડાપ્રધાન સામે લડવાના છે.
ઈન્દિરા ગાંધી - રાય બરેલી (ઉત્તર પ્રદેશ)
૧૯૬૬માં ઈન્દિરાદેવી વડાં પ્રધાન બન્યા ત્યારે તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યસભાના સભ્ય હતા. એ પછી ૧૯૬૭માં ચૂંટણી થઈ ત્યારે તેઓ રાય બરેલેથી ઉભા રહ્યા હતા.૧૬ લોકસભા ચૂંટણીમાંથી ૧૩ વખત અહીંથી કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. વર્તમાન સાંસદ સોનિયા ગાંધી છે. સોનિયા ગાંધી ૧૯૯૯થી અહીંથી જીતતા આવે છે. ઈન્દિરા ગાંધી પહેલા આ બેઠક પરથી ૧૯૫૭માં ફિરોઝ ગાંધી પણ ચૂંટાયા હતા.
ઈન્દિરા દેવીને રાજ નારાયણે ૧૯૭૭માં આ બેઠક પરથી ૫૫ હજાર કરતા વધુ મતોએ હરાવ્યા હતા. એ પછી ૧૯૯૬ અને ૧૯૯૮માં એમ બે વખત ભાજપના અશોક સિંહ અહીંથી ચૂંટાયા હતા. લખનૌથી ૭૦ કિલોમીટર છેટે આવેલી બેઠક પરથી આ વખતે સોનિયા ગાંધી અને સામે ભાજપના દિનેશ પ્રતાપ સિંહ લડી રહ્યા છે. ૧૯૯૬માં વિજેતા ઉમેદવાર ભાજપના અશોક સિંહ હતા, તો હાર થઈ એ જનતા દળના ઉમેદવારનું નામ પણ અશોક સિંહ જ હતુ!
ચંદ્રશેખર-બાલિયા (ઉત્તર પ્રદેશ)
૧૯૯૦માં એક વર્ષ કરતા ઓછા સમય માટે વડા પ્રધાન બનેલા ચંદ્રશેખર બાલિયાથી ચૂંટાયા હતા. વડા પ્રધાન બન્યા ત્યારે તેઓ સમાજવાદી જનતા પાર્ટીના સાંસદ હતા. ચંદ્રશેખર અહીંથી નવ વખત ચૂંટાયા હતા, પરંતુ એ દરમિયાન તેમણે પાંચ રાજકીય પક્ષ બદલી નાખ્યા હતા.
છેલ્લે તેઓ સમાજવાદી જનતા પાર્ટી (રાષ્ટ્રીય)ના સાંસદ હતા. ચંદ્રશેખરના અવસાન પછી બે ટર્મ સુધી અહીં સમાજવાદી પક્ષનું શાસન રહ્યું. હવે બેઠક ભાજપ પાસે છે. જય પ્રકાશ નારાયણના આંદોલન વખતે આ વિસ્તારનું વિશેષ મહત્ત્વ હતું. હવે તો વિકાસની રાહ જોવાઈ રહી છે.
ચરણ સિંહ બાગપત (ઉત્તર પ્રદેશ)
૧૭૦ દિવસ માટે વડા પ્રધાન રહેલા ચૌધરી ચરણસિંહ ઉત્તર પ્રદેશની બાગપત બેઠક પરથી ચૂંટાયા હતા. આ બેઠકે લાંબો સમય માટે કોઈ એક પક્ષનો સાથ દીધો નથી. ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૪ એમ ત્રણ વખત ચૌધરીજી અહીંથી વિજયી થયા હતા. એ પછી એમના પુત્ર અજિત સિંહ છ વખત અહીંથી જિત્યા છે. ચરણસિંહ અને અજિતસિંહ બન્ને એક પક્ષમાં રહ્યા નથી. માટે તેમના નામે મત મળે, પરંતુ પક્ષ અલગ અલગ હોય એવુ બનતું આવ્યુ છે. આ બેઠક પણ ૨૦૧૪માં ભાજપે છીનવી લીધી હતી.
આ વખતે પણ મુંબઈના પોલીસ કમિશનર રહી ચૂકેલા સત્યપાલ સિંહને પસંદ કર્યા છે, સામે પક્ષે અજિત સિંહનો પુત્ર જયંત સિંહ રાષ્ટ્રીય લોકતાંત્રીક દળમાંથી ચૂંટણી લડશે. ૨૦૧૪માં અજિંત સિંહ લડયા હતા અને ત્રીજા ક્રમે રહ્યા હતા.
સપા-બસપાનાં ગઢમાં ૧૧ ગાબડા
૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી ૭૧ બેઠકો જીતીને હાહાકાર મચાવી દીધો હતો. કોંગ્રેસને તો આખા દેશમાં ભાજપ હરાવે તેની કોઈ નવાઈ ન હતી. પરંતુ ઉત્તર પ્રદેશ મૂળભૂત રીતે સમાજવાદી પક્ષ (સપા) અને બહુજન સમાજ પક્ષ (બસપા)નો ગઢ ગણાય છે. એ ગઢ ભાજપે બન્ને પક્ષો પાસેથી ખાલસા કરાવી લીધો હતો.
પરંતુ ૨૦૧૪ પહેલાના ઈતિહાસમાં નજર કરીએ તો ખબર પડે છે કે ઉત્તર પ્રદેશની ૧૧ બેઠકો એવી છે, જ્યાં ક્યારેય સપા-બસપાના ઉમેદવારો ફાવ્યા જ નથી. ઉત્તર પ્રદેશની વિધાનસભામાં જોઈએ તો શરૂઆતની ચાર ચૂંટણી વખતે કોંગ્રેસનો દબદબો હતો. એ પછી પક્ષો બદલતા રહ્યા છે.
સ્થાનિક પક્ષ સમાજવાદીનો વારો ૧૯૯૩માં આવ્યો હતો, જ્યારે મુલાયમ ૧૮૧ દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા હતા. એ પછી ૧૩૭ દિવસ માટે બસપાના માયાવતી ચીફ મિનિસ્ટર બન્યા હતા. એ પછી ચૂંટણી થઈ તેમાં માયાવતી ફરીથી ૧૮૪ દિવસ માટે સીએમ રહ્યા હતા. એ પછીનો ઘણો સમય ઉત્તર પ્રદેશની ધૂરા ભાજપે સંભાળી.
માયાવતી ફરીથી ૨૦૦૨માં સીએમ બન્યા, ૧૬ મહિના રહ્યા. એ પછી મુલાયમ સિંહ સત્તા પર આવ્યા, પોણા ચાર વર્ષ મુખ્યમંત્રી રહ્યા. ફરીથી માયાવતી સત્તા પર આવ્યા, પાંચ વર્ષ સુધી ખુરશી સંભાળી. પછી સમાજવાદી પક્ષને બહુમતી મળી અને અખિલેશ પાંચ વર્ષ માટે સીએમ રહ્યા. ૨૦૧૭થી હવે ભાજપના યોગી મુખ્યમંત્રી છે.
સમાજવાદી-બહુજન સમાજને વારંવાર સત્તા મળવા છતાં તેઓ સ્થિરતા લાવી ન શક્યા કે પક્ષ તરીકેની પ્રગતિ કરી ન શક્યા. માટે અગિયાર બેઠક એવી છે, જેમાં લોકસભા વખતે આ બન્ને સ્થાનિક પક્ષોને આજ સુધીમાં એક પણ વખત વિજય મળ્યો નથી.
આ અગિયારની ટીમમાં વારાણસી, લખનૌ, અમેઠી, રાયબરેલીનો તો જાણે સમાવેશ થાય છે. કેમ કે આ ચારેય બેઠકો પહેલેથી ભાજપ-કોંગ્રેસ પાસે રહી છે. એ સિવાય બાગપત, બરેલી, પિલિભિત, કન્નુર, મથુરા, હાથરસ અને કુશિનગર એ એવી બેઠકો છે, જ્યાંના મતદારાઓ ઉત્તર પ્રદેશમાં ખેરખાં ગણાતા સપા-બસપાને ક્યારેય સત્તા સોંપી નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZijO5E
via Latest Gujarati News
0 Comments