કુલભૂષણ જાધવને કન્સ્યુલર એક્સેસ આપવાની ભારતની માંગ અયોગ્ય: પાક.ની અવળચંડાઇ


(પીટીઆઈ) ઈસ્લામાબાદ, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

પાકિસ્તાને શુક્રવારે કુલભૂષણ જાધવને કન્સ્યુલર એક્સેસ આપવાની ભારતની માંગણીને અયોગ્ય ગણાવી હતી. કુલભૂષણનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે પાકિસ્તાને ભારતની માંગ અયોગ્ય ઠેરવી હતી. 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ફરી એક વખત કુલભૂષણ જાધવને કન્સ્યુલર એક્સેસ આપવાની ભારતની માંગણીને નામંજૂર કરી છે. પાકિસ્તાને કુલભૂષણને કન્સ્યુલર એક્સેસની સુવિધા ન આપવાનું કારણ જણાવતા કહ્યું કે કુલભૂષણનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં હોવાથી તેને આ સુવિધા ન આપી શકાય. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે જણાવ્યું કે જાધવના પાસપોર્ટ અંગેના પાકિસ્તાનના સવાલોનો અત્યાર સુધી ભારત તરફથી કોઈ જ જવાબ નથી મળ્યો.

પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ, ૨૦૧૭માં જાસૂસી અને આતંકવાદના આરોપસર જાધવને મૃત્યુદંડની સજા ફરમાવી હતી. પાકિસ્તાનના દાવા મુજબ તેમના સુરક્ષા દળોએ ત્રણ માર્ચ, ૨૦૧૬ના રોજ બલુચિસ્તાન પ્રાંતમાંથી જાધવની ધરપકડ કરી હતી અને જાધવે કથિતરુપે ઈરાનથી બલુચિસ્તાનમાં ઘૂસણખોરી કરી હતી. 

જો કે ભારત સરકારના દાવા મુજબ જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં આવ્યું હતું. નૌસેનામાંથી સેવાનિવૃત્તિ બાદ જાધવ કારોબાર અર્થે ઈરાન ગયા હતા અને ત્યાંથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતીય સંવિધાનની કલમ ૩૭૦ નાબૂદ કરવાની માંગ અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં ફૈઝલે જણાવ્યું કે, કલમ ૩૭૦ની નાબૂદી સંયુક્ત રાષ્ટ્રોના પ્રસ્તાવોનું ઉલ્લંઘન ગણાશે.

અમે તેને કદી પણ નહીં સ્વીકારીએ અને કાશ્મીરીઓ પણ તેનો સ્વીકાર નહીં કરે. ફૈઝલે નવેમ્બર, ૨૦૧૯માં શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની ૫૫૦મી જયંતિ પર કરતારપુર કોરિડોર શરુ કરવા માટે પાકિસ્તાન કટિબદ્ધ હોવાનું જણાવ્યું. સાથે જ આ કોરિડોર નહીં ખુલે તો તેના માટે ભારત જવાબદાર ગણાશે તેમ કહ્યું. તેમણે કરતારપુર સંબંધિત તમામ મુદ્દાઓના ઉકેલ માટે બેઠક યોજવી મહત્વપૂર્ણ હોવાનું કહીને કરતારપુર કોરિડોર ખોલવા માટે પાકિસ્તાન સૈદ્ધાંતિક રીતે તૈયાર હોવાની માહિતી આપી. 

ફૈઝલે કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કરેલી જાહેરાતો મુજબ ભારતની તૈયારી જરુરી હોવાનું કહ્યું. તેના સામે ભારતે કરતારપુર કોરિડોર સમિતિમાં કોઈ વિવાદાસ્પદ તત્વો નિયુક્ત કરાયા છે કે કેમ તે સંબંધી ભારતની ચિંતાનો પાકિસ્તાને જવાબ ન આપ્યો હોવાનું કહ્યું.

૧૯૬૩ની વિયના સમજૂતિમાં બે દેશ વચ્ચે કન્સ્યુલર સંબંધો વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. કન્સ્યુલર કોઈ રાજદ્વારી વ્યક્તિ નથી હોતી પરંતુ તે વિદેશ વિભાગનો પ્રતિનિધિ હોય છે. તે યજમાન દેશમાં પોતાના દેશના વ્યક્તિના હિતમાં કામ કરે છે. આ સમજૂતિની ૩૬મી કલમ મુજબ જો કોઈ દેશ વિદેશી નાગરિકની પોતાના દેશની સરહદમાં ધરપકડ કરે તો તેણે તરત જ સંબંધિત દેશના દૂતાવાસને આ અંગે જાણ કરવાની હોય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I5PKof
via Latest Gujarati News

Post a Comment

0 Comments