(પીટીઆઈ) નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર
અરુણાચલ પ્રદેશના લોહિતપુરમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટેનો પહેલો મત અપાઈ ગયો છે. અધિકૃત વિગતો મુજબ પૂર્વોત્તરના દુર્ગમ પૂર્વીય વિસ્તારોમાં તૈનાત આઈટીબીપીના એક યુનિટે સીક્રેટ પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન શરુ કરી દીધું છે.
દિલ્હીથી અંદાજે ૨,૬૦૦ કિમી દૂર આવેલી અરુણાચલ પ્રદેશની લોહિતપુર એનિમલ ટ્રેઈનિંગ સ્કુલમાં શનિવારે સવારે ૧૦ કલાકે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે મતદાન શરુ થઈ ગયું હતું.
આ વિસ્તારોમાં તૈનાત આઈટીબીપીના એક યુનિટે સર્વિસ વોટર્સ માટે સીક્રેટ પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન શરુ કર્યું હતું. એટીએએસ આઈટીબીપીના પ્રમુખ ડીઆઈજી સુધાકર નટરાજને પહેલો મત આપ્યો હતો. ત્યાર બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં તૈનાત આઈટીબીપીના બીજા યુનિટે પણ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આ વર્ષે વધારે ને વધારે સર્વિસ વોટર્સને જોડવા માટે પ્રક્રિયા શરુ કરેલી છે અને તેના માટે જાગૃતતા અભિયાન પણ હાથ ધરાયેલું. ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ, પ્રિન્ટ મીડિયા વગેરે દ્વારા પ્રચાર કરીને વધારે ને વધારે યોગ્ય સર્વિસ વોટર્સને પોતાના નામ તેમાં શામેલ કરાવવા જણાવ્યું હતું. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ દેશમાં કુલ ૩૦ લાખ જેટલા સર્વિસ વોટર્સ છે જે બેલેટ પેપરના માધ્યમથી મતદાન કરે છે.
ચૂંટણી પંચની વ્યાખ્યા મુજબ સર્વિસ વોટર્સ એટલે આર્મ્સ ફોર્સિઝ સાથે કામ કરતા નાગરિકો. જેમના પર આર્મી એક્ટ ૧૯૫૦ લાગુ થાય છે તેવા ફોર્સના સદસ્યોને પણ સર્વિસ વોટર્સ ગણવામાં આવે છે. આર્મ્સ પોલીસ ફોર્સના સદસ્યો જે પોતાના રાજ્યની બહાર રહીને કામ કરે છે અથવા જે વ્યક્તિ ભારત સરકાર માટે દેશ બહાર રહીને કામ કરતી હોય તે સર્વિસ મતદાર ગણાય.
આગામી ૧૧મી એપ્રિલના રોજ અરુણાચલ પ્રદેશમાં લોકસભા અને વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. અરુણાચલ પ્રદેશના ચૂંટણી બૂથ ખૂબ જ દુર્ગમ વિસ્તારોમાં આવેલા છે. આથી ૧૧મી તારીખના મતદાન માટે પોલિંગ પાર્ટીને ચોથી એપ્રિલે જ રવાના કરી દેવામાં આવી હતી. ચૂંટણી પંચે પોતાની પોલિંગ ટીમને સમયસર પહોંચાડવા માટે હવાઈ જહાજની મદદ પણ લીધી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YTaEw2
via Latest Gujarati News
0 Comments