મુંબઇના ન્હાવા-સેવા પોર્ટ ઉપર કન્ટેનરમાંથી પાંચ કરોડનું સોનું પકડાયું


(પી.ટી.આઇ.) મુંબઇ, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

ડિરેકટોરેટ ઓફ રેવેન્ય ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા ન્હાવા-શેવા (જેએનપીટી) પોર્ટ પર એક કન્ટેનરમાંથી દાણચોરીનું ૧૯ કિલો સોનું પકડી પાડવામાં આવ્યું હતું. ધાતુની પાઇપમાં સંતાડવામાં આવેલા આ સોનાની કિંમત ૫.૫૪ કરોડ અંદાજવામાં આવી છે.

અગાઉથી મળેલી બાતમીને આધારે ડી.આર.આઇ.ના અધિકારીઓએ દુબઇથી આયાત કરવામાં આવેલા ભંગાર ભરેલા પાંચ કન્ટેનરોને આંતર્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ભંગારમાં આવેલા પાઇપના ટુકડાની ઝીણવટથી તપાસ કરવામાં આવતાં અંદરથી ૧૯ કિલો દાણચોરીનું સોનું મળી આવ્યું હતું.

અધિકારીઓ ભંગાર ફંફોરતા હતા ત્યારે પાઇપના કેટલાય ટુકડા જોવા મળી આવ્યા હતા. આમાંથી એક પાઇપ વધુ વજનદાર લાગ્યો હતો અને તેનો એક બાજુનો છેડો બંધ કરવામાં આવ્યો હતો. આ પાઇપ તોડવામાં આવતા અંદરથી કાળી ઇન્સ્યુલીન ટેપથી વિંટાલેલા ૧૮ બંડલ મળી આવ્યા હતા. તેની અંદરથી ૧૦ તોલાની એક એવી ૧૬૩ લગડી હાથ લાગી હતી.

ગયા અઠવાડિયે ડીઆરઆઇ તરફથી મોટું દાણચોરીનું રેકેટ પકડી પાડવામાં  આવ્યું હતું જેમાં ૧૦૯ કિલો સોનું હસ્તગત કરવામાં આવ્યું હતું. આમાં ૭ જણની ધરપકડ કરવામાં આવી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2TXexfP
via Latest Gujarati News

Post a Comment

0 Comments