'ચોકીદાર' દેશની સુરક્ષા ઇચ્છે છે પણ કોંગ્રેસ આતંકીઓને શરણ આપનારાને બચાવે છે : મોદી


નવી દિલ્હી, તા.6 એપ્રિલ, 2019, શનિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે ચોકીદાર આતંકવાદ સામે લડી રહ્યો છે જ્યારે કોંગ્રેસ સૈન્યની સત્તાને નબળી કરવા માગે છે. ચોકીદારે આતંકીઓના સ્થાનો પર હુમલો કરવાનું સાહસ દેખાડ્યું જ્યારે કોંગ્રેસ સૈન્યને કમજોર બનાવવા માગે છે. દેશની સુરક્ષા માટે આ ચોકીદાર હંમેશા તૈયાર છે.

કોંગ્રેસ આતંકીઓ અને નક્સલીઓને શરણ આપનારાઓને બચાવવા માગે છે. હવે લોકોએ નક્કી કરવાનું છે કે તેને એક સ્થિર સરકાર જોઇએ છે કે ભ્રષ્ટાચારી? ભાજપ ફરી સત્તામાં આવશે કેમ કે દેશને મજબુત અને વિકાસ કરી શકે તેવી સરકારની જરુર છે. અને એમ કરવામાં માત્ર ભાજપ જ સક્ષમ છે. 

ભાજપના ૩૯માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે મોદીએ જણાવ્યું હતું કે આ પક્ષ કાર્યકર્તાઓના પરશેવાથી બન્યો છે વારસામાં નથી મળ્યો.

ઓડિશામાં બીજેડી સરકાર પર પ્રહારો કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બીજેડીના ઇરાદા સારા નથી, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબીત થશે. આજે દેશના દરેક ખુણામાં ભાજપનો ધ્વજ લહેરાઇ રહ્યો છે કેમ કે ભાજપને લોકોએ પોતાના દિલમાં સ્થાન આપ્યું છે તેવો દાવો મોદીએ કર્યો હતો. ઓડિશામાં લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. 

એક સપ્તાહમાં મોદીએ ત્રીજી વખત ઓડિશાની મુલાકાત લીધી છે, તેઓ અહીં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીનો પણ પ્રચાર કરી રહ્યા છે. અહીં ચાર તબક્કામાં ૧૧,૧૮,૨૩ અને ૨૯મી તારીખે વિધાનસભા અને લોકસભા બન્ને માટે મતદાન થશે. 

આતંકવાદ મુદ્દે વાત કરતા મોદીએ જણાવ્યું હતું કે અમે આતંકવાદના ખાતમા માટે લડી રહ્યા છીએ જ્યારે કોંગ્રેસ આતંકીઓને છુટ્ટો દોર આપવા માગે છે. છત્તીસગઢમાં બાલોદ જિલ્લામાં રેલીને સંબોધતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નામદાર (રાહુલ ગાંધી)એ લોકસભાની ચૂંટણી લડવા માટે સુરક્ષીત બેઠક શોધવી પડી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uNsMKb
via Latest Gujarati News

Post a Comment

0 Comments