દિલ્હીનો હોમગ્રાઉન્ડ પર જ ફિયાસ્કો, પીચ ક્યુરેટરથી ટીમ મેનેજમેન્ટ નારાજ

નવી દિલ્હી, તા. ૫

ઈન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ્સની ટીમનો હોમગ્રાઉન્ડ - ફિરોઝ શાહ કોટલા મેદાન - પરની ત્રણ મેચમાંથી બેમાં પરાજય થયો હતો, જે પછી દિલ્હીના કોચ રિકી પોન્ટિંગે પીચ અંગે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. પોન્ટિંગે જણાવ્યું હતુ કે, આઇપીએલની મેચમાં પુરી પાડવામાં આવેલી આ સૌથી ખરાબ પીચ હતી. દિલ્હીના કોચે જાહેરમાં પીચ અંગે વ્યક્ત કરેલી નારાજગી બાદ કોટલા સ્ટેડિયમના પીચ ક્યુરેટરની ભૂમિકા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. 

હૈદરાબાદ સામેની મેચમાં દિલ્હીની હાર બાદ ટીમનો મેન્ટોર ગાંગુલી સીધો જ પીચ ક્યુરેટરની પાસે પહોંચ્યો હતો. જે પછી ગાંગુલી અને પીચ ક્યુરેટર મેચ જે પીચ પર રમાઈ હતી, ત્યાં પહોંચ્યા હતા અને બંને વચ્ચે ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઉગ્ર ચર્ચા ચાલતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેઓ કેટલાક તબક્કે પ્રેક્ટિસની પીચો તરફ તો કેટલીક વખત મેચની પીચ તરફ અંગૂલિનિર્દેશ કરતાં જોવા મળ્યા હતા. ટૂંકમાં દિલ્હીના કોટલા મેદાનની પીચથી ગાંગુલી અને ટીમ મેનેજમેન્ટમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. દિલ્હીની ટીમને ઘરઆગણાની ત્રણમાંથી બે મેચોમાં હાર મળી છે, જેના કારણે પીચ ક્યુરેટરની ભૂમિકા સામે સવાલ ઉઠવા પામ્યો છે. 

દિલ્હીની ટીમના કોચ પોન્ટિંગે હાર્યા બાદ કહ્યું હતુ કે, મને લાગે છે કે, એમ કહેવું યોગ્ય છે કે, પીચે અમને ઘણા બધા આશ્ચર્યચકિત કરી દીધા હતા. મેચ અગાઉ ગ્રાઉન્ડમેનની સાથે વાત કરતાં લાગ્યું હતુ કે, આ પીચ મેચ માટે બેસ્ટ છે, પણ ખરેખર તો તે પીચ સૌથી ખરાબ નીકળી. તમે જોઈ શકો છો કે બોલ કેટલા નીચા રહેતા હતા અને પીચ કેટલી ધીમી થઈ ગઈ હતી. 

પોન્ટિંગની કોમેન્ટ બાદ દિલ્હી એસોસિએશનનો ઢાંકપિછોડો

પોન્ટિંગે હૈદરાબાદ સામેની મેચ હાર્યા બાદ જણાવ્યુ હતુ કે, મેં મેચ પહેલા ગ્રાઉન્ડમેન્સ સાથે વાત કરી હતી અને અમને લાગતું હતુ કે, આ મેચ માટે બેસ્ટ પીચ પુરી પાડવામાં આવી છે. પોન્ટીંગની આ કોમેન્ટથી ખ્યાલ આવી જાય છે કે, ફ્રેન્ચાઈઝીઓને ઘરઆંગણે અનુકૂળ પીચો પુરી પાડવામાં આવે છે અને પીચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ સ્ટાફ હોમ ટીમના કોચિંગ સ્ટાફ તરફ કૂણું વલણ રાખતાં તેમને ઘણી 'અંદર'ની માહિતી આપી દેતા હોય છે, જે હરિફ ટીમ પાસે હોતી નથી. પોન્ટિંગની કોમેન્ટથી આ બાબત ઉજાગર થઈ ગઈ હતી. જોકે તેના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો. ડીડીસીએના ઓફિસિઅલે એજન્સીને એક નિવેદનમાં જણાવ્યું છે કે, હું જાણું છું ત્યાં સુધી પોન્ટિંગે તો પીચ ક્યુરેટર કે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાત કરી જ નથી. તેણે કદાચ દિલ્હી કેપિટલ્સના પીચ કોર્ડિનેટર સાથે વાત કરી હશે. અમારા ગ્રાઉન્ડ્સમેને તો પોન્ટિંગને કંઈ કહ્યું જ નથી. હવે દિલ્હીની ઘરઆંગણાની મેચ ૧૮ એપ્રિલે મુંબઈ સામે રમાશે, જેમાં તેમને અનુકૂળ પિચ મળશે તેવો ઈશારો પણ કરવામાં આવ્યો હતો. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I17Qbg
via Latest Gujarati News

Post a Comment

0 Comments