આજે ચેન્નાઈમાં સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન વચ્ચે મુકાબલો

ચેન્નાઈ, તા. ૫

ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આવતીકાલે ઘરઆંગણે અશ્વિનની કિંગ્સ ઈલેવન પંજાબ સામે ટકરાશે. ચેન્નાઈની અજેય લાગતી ટીમને આખરી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પરાજય આપીને આઇપીએલ-૧૨માં નવો રોમાંચ ફેલાવી દીધો છે. હવે તેઓ ઘરઆંગણે પંજાબ સામે ઉતરશે ત્યારે ફરી જીતની રાહ પર પાછા ફરવાની કોશીશ કરશે. ચેન્નાઈની જેમ અશ્વિનની આગેવાની હેઠળની કિગ્સ ઈલેવનની ટીમને પણ ચારમાંથી ત્રણ મેચમાં વિજય મળ્યો છે, જ્યારે એકમાત્ર મેચમાં હારનો સામનો કરવો પડયો છે.હવે આવતીકાલે તેઓ પોઈન્ટ ટેબલમાં વધુ બહેતર સ્થિતિની તલાશમાં આમને-સામને ટકરાશે. 

ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આવતીકાલે સાંજે ૪.૦૦ વાગ્યાથી આ મુકાબલાનો પ્રારંભ થશે. ધોનીની ટીમ ફરી આગવા લયમાં રમતા જીત હાંસલ કરવા માટે ઉત્સુક છે. ચેન્નાઈને ઓલરાઉન્ડર વોટસન તેમજ રાયડુ, જાધવના ફોર્મની આશા છે. જ્યારે પંજાબનો મદાર ગેલ તેમજ મીલર, લોકેશ રાહુલ તેમજ અગ્રવાલ જેવા બેટસમેનો પર રહેશે. 

ચેન્નાઈના સુપરસ્ટાર બેટ્સમેનો ફરી ફોર્મ બતાવવા તૈયાર

આઇપીએલની ટીમોમાં સૌથી મજબુત અને સેટલ બેટીંગ લાઈનઅપ ધરાવતા ચેન્નાઈના સુપરસ્ટાર બેટ્સમેનો ફરી આગવું ફોર્મ બતાવવા માટે કમર કસી રહ્યા છે. કેપ્ટન ધોનીની આગેવાની હેઠળની ટીમમાં વોટસન, રાયડુ, સુરેશ રૈના, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા અને બ્રાવો જેવા સુપરસ્ટાર બેટ્સમેનો છે, જે મેચનું પાસું પલ્ટી નાંખી શકે છે. જોકે મુંબઈ સામેની આખરી મેચમાં જાધવને છોડીને બાકીના બેટ્સમેનો કમાલ દેખાડી શક્યા નહતા. જોકે અગાઉ તેઓએ બેંગ્લોર, દિલ્હી અને રાજસ્થાન સામે કમ્પલીટ પર્ફોમન્સ આપ્યું હતુ અને આ કારણે એકમાત્ર કંગાળ પર્ફોમન્સ બાદ તેઓ ફરી આગવી લય મેળવવા માટે તૈયાર છે. મુરલી વિજય તેમજ ફાફ ડુ પ્લેસિસ જેવા ધરખમ ખેલાડીઓ ચેન્નાઈની ટીમમાં સામેલ છે. 

ગેલ, અગ્રવાલ અને રાહુલ પણ કિંગ્સ ઈલેવનનો આધાર

અશ્વિનની આગેવાની હેઠળની કિગ્સ ઈલેવન પંજાબની ટીમની બેટીંગ લાઈનઅપનો મુખ્ય આધાર વિન્ડિઝનો ધરખમ બેટ્સમેન ક્રિસ ગેલ છે. આ ઉપરાંત ભારતીય ઓપનર લોકેશ રાહુલ તેમજ ચાલુ સિઝનમાં નોંધપાત્ર ફોર્મ દર્શાવનારા મયંક અગ્રવાલ પર રહેશે. પંજાબની ટીમમાં સાઉથ આફ્રિકાનો ડેવિડ મીલર, ભારતનો સરફરાઝ ખાન તેમજ કરૃન નાયર પણ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમની બેટીંગ લાઈનઅપમાં છે. પંજાબની ટીમ હાઈસ્કોર કરવા માટે જાણીતી છે અને તેઓએ ચારેય મેચોમાં ૧૬૦ કે તેનાથી વધુનો સ્કોર કર્યો છે, જેના કારણે ચેન્નાઈ માટે આવતીકાલનો મુકાબલો આસાન નહિ રહે. 

આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટાર બોલર્સ વચ્ચે રસપ્રદ ટક્કર

કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલામાં આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર બોલરો આમને -સામને ટકરાશે. પંજાબની પાસે અશ્વિન, મુજીબ, મુરુગન અશ્વિન સામેલ છે. જ્યારે ચેન્નાઈનું સ્પિન ડિપાર્ટમેન્ટ સાઉથ આફ્રિકાના સ્પિનર તાહીર, ભારતીય સ્પિનર હરભજન અને રવિન્દ્ર જાડેજા તેમજ કેદાર જાધવ પાસે છે. કર્ણ શર્મા જેવો સ્પિનર પણ ચેન્નાઈની પાસે છે. જ્યારે સાન્ટનેર અને વોટસન જેવા ઓલરાઉન્ડર્સની સાથે સાથે મોહિત શર્મા, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર પણ બોલિંગમાં જાદુ ચલાવી શકે છે. 

કિંગ્સ ઈલેવનની ટીમમા હેટ્રિક હિરો સેમ કરનની સાથે સાથે અંકિત રાજપૂત, એન્ડ્રુ ટાય, મોહમ્મદ શમી, મોસેસ હેનરિક્સ તેમજ વિલ્જોન જેવા ફાસ્ટરો છે. 

ઈજાગ્રસ્ત બ્રાવો બે સપ્તાહ નહિ રમે

ડ્વેન બ્રાવોની ઈજાના કારણે ચેન્નાઈને ફટકો પડયો છે. બ્રાવો હવે બે સપ્તાહ સુધી રમી શકશે નહી. વિન્ડિઝના આ દિગ્ગજ ફાસ્ટ બોલરે મુંબઈ સામેની આખરી ઓવરમાં ૨૯ રન આપ્યા હતા. જે પછી તેને ઈજા થઈ ગઈ છે અને હવે તે આવતીકાલની પંજાબ સામેની મેચમાં રમવા માટે ઉતરવાનો નથી. જોકે ચેન્નાઈની પાસે મજબુત બેન્ચ સ્ટ્રેન્થ છે. જેના કારણે બ્રાવોની ગેરહાજરીમાં તેઓ ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર સાન્ટનેરને તક આપી શકે તેમ છે. હવે બ્રાવોને સ્નાયું ખેંચાઈ જવાના કારણે ઈજા થઈ છે અને હવે તે રિહેબ પ્રોગ્રામ હેઠળ છે,જેના કારણે કેટલીક મેચો ગુમાવશે. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WNMzVI
via Latest Gujarati News

Post a Comment

0 Comments