ચેન્નાઈ, તા.૨૫
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હવે આખરી તબક્કામાં પ્લે ઓફની રેસ વધુ રસપ્રદ બની છે, ત્યારે આવતીકાલે ચેન્નાઈ સામેની ટી-૨૦માં મુંબઈ ઈન્ડિયન્સની નજર પ્લે ઓફ તરફ રહેશે. મુંબઈ ઈન્ડિયન્સના ૧૦ મેચમાં ૧૨ પોઈન્ટ્સ છે અને તેમણે પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે બાકીની ચારમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતવી પડે તેમ છે. આમ છતાં અગાઉ ત્રણ વખત ટાઈટલ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બને તેટલી જલ્દી નોકઆઉટમાં સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છી રહી હશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા જ નોકઆઉટમાં નિશ્ચિત બની ચુકી હોવાથી તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ચેન્નાઈના ૧૧ મેચમાં ૧૬ પોઈન્ટ્સ થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં રોહિત શર્માની ટીમ પ્લેઓફની વધુ નજીક પહોંચવાનો પ્રયાસ કરશે.
કેપ્ટન ધોનીની ફિટનેસ અંગેની ચિંતા ભારતીય સિલેક્ટરોને પણ મુંઝવી રહી છે. ધોનીએ એક મેચ ગુમાવી હતી પણ તેમાં ચેન્નાઈ રાજસ્થાન સામે હાર્યું હતુ, જે પછી તેણે હૈદરાબાદ સામેની મેચમાં પુનરાગમન કરતાં તેની ટીમ જીતી હતી. હવે ચેન્નાઈ આગેકૂચ કરવા તરફ મીટ માંડી રહી છે.
મુંબઈની ટીમ રાજસ્થાન સામેની આંચકાજનક હાર બાદ ફરી જીત મેળવવાનો પ્રયાસ કરશે. કેપ્ટન રોહિત શર્માની સાથે ડી કૉક અને પોલાર્ડ તેમજ પંડયા બ્રધર્સના શાનદાર દેખાવની આશા છે. જ્યારે રાહુલ ચાહર, બુમરાહ અને માર્કન્ડે જેવા બોલરો મુંબઈને ફરી જીતની રાહ પર આગળ ધપાવવા માટે ઉત્સુક છે. વોટસનનું ફોર્મ ચેન્નાઈ માટે ઉત્સાહજનક છે. ચેન્નાઈનો મદાર કેપ્ટન ધોની અને રૈના, રાયડુ, જાધવની સાથે સાથે હરભજન સિંઘ, દીપર ચાહર તેમજ જાડેજા જેવા ખેલાડીઓ પર વિશેષ રહેશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IRW9mO
via Latest Gujarati News
0 Comments