ગાંધીના આગમનથી અમારાં કાર્યકરોમાં નવો જોમ-જુસ્સો આવ્યો છે : ડાબેરી પક્ષો

(પીટીઆઇ) વાયનાડ,તા.3 એપ્રિલ 2019,બુધવાર

કેરળના ડાબેરી પક્ષો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને ધરતી પર પગ રાખીને ચૂંટણી લડવાની પધ્ધતિ શીખવશે.

આ પક્ષોએ રાહુલ ગાંધીના, વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણયથી જરાય ચલિત થયા વિના આજે અત્રે કહ્યું કે ''અમે જીતવા માટે ચૂંટણી લડીશું''.

રાહુલ ગાંધી આવતીકાલે ગુરૂવારે અહીં એમનું ઉમેદવારીપત્ર ભરશે. ત્યારે કોંગ્રેસ પક્ષે હૂંકાર કર્યો છે કે એમના પક્ષ પ્રમુખને ચૂંટણી જીતવા આડે કોઇ અવરોધ નડશે નહિં.

કેરળના ડાબેરી પક્ષોના મોરચા ડાબેરી ડેમોક્રેટિક મોરચો (લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ- એલડીએફ) એ સીપીઆઇના પી.પી. સુજારને વાયનાડ સંસદીય મતવિસ્તારમાંથી ઊભા રાખ્યા છે. આ મતવિસ્તારમાં સાત વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થયો છે. જેમાં વાયનાડ જિલ્લાના ત્રણ, માલાપ્પુરમ જિલ્લાના ત્રણ અને કોઝિકોડે જિલ્લાના એક મતવિસ્તારનો સમાવેશ થાય છે.

સીપીઆઇના વાયનાડ જિલ્લાના નેતા વિજયન ચેરૂકારાએ જણાવ્યું કે અમારાં એલડીએફના ઉમેદવારે અહીં પ્રચારના લગભગ ત્રણ રાઉન્ડ પૂરા કરી લીધા છે. અને તેઓ લગભગ ચારથી પાંચ લાખ મતદારો સાથે  સીધેસીધા સંકળાયેલા છે.

પ્રચારના પાંચમા રાઉન્ડમાં મતદારોના પરિવારો સાથે બેઠકો યોજાશે, કે જે બે દિવસમાં શરૂ થશે.

ડાબેરી પક્ષોને લાગે છે કે આ મતવિસ્તારના લોકો રાહુલ ગાંધી જેવા ઉમેદવારને ચૂંટશે નહિ કારણ કે તેઓ પોતે રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ હોવાથી એમના કાર્યક્રમોની વ્યસ્તતાના લીધે અહીંના મતદારોના પ્રશ્નો પર સંપૂર્ણપણે ધ્યાન આપી શકશે નહિ.

'' રાહુલ ગાંધી અદ્રશ્ય ભગવાન જેવા છે. એમના પરિવારના ગઢ જેવા અમેઠી (ઉત્તરપ્રદેશ)માંથી એમના માટે ચૂંટણી જીતવી સહેલી છે. પરંતુ વાયનાડની ધરતી કંઈક અલગ છે. અમે એમને શીખવીશું કે ધરતી પર ઊભા રહીને ચૂંટણી કેવી લડવી ? એમ ચેરુકારાએ અત્રે આ ન્યુઝ એજન્સીને જણાવ્યું.

એમણે કહ્યું કે રાહુલ ગાંધી અહીંથી ઉમેદવારી કરવાના છે. એ જાણીને અમારા કેટલાક નેતાઓનું મોરલ ઝંખવાયુ હતુ. પરંતુ અમારા કાર્યકરો તો વધુ શક્તિશાળી બન્યા છે. અને તેઓ પડકાર ઉપાડવા માટે તૈયાર છે.

આ કાર્યકરોએ '' કોંગ્રેસ અને ભાજપની ખેડૂત વિરોધી, આદિવાસી વિરોધી અને લઘુમતી વિરોધી નીતિઓના વિરોધમાં'' ઝુંબેશ શરૂ કરી છે.

અમે યુવા મતદારો સુધી પહોંચવા માટે ફલેશ મોબ જેવી નવી પ્રચાર પધ્ધતિને અમલી બનાવીશું. આદિવાસીઓ, ખેડૂતો અને લઘુમતીઓના સંપર્ક માટે અલગ ઝુંબેશ ચલાવાશે. ડાબેરી જૂથ મજબૂત બની રહ્યું છે, એમ એમણે કહ્યું.

જો કે કોંગ્રેસે પ્રતિભાવમાં જણાવ્યું કે વાયનાડમાં રાહુલ ગાંધીની સામે કોઇ ઝુંબેશ ટકશે નહિ.

વાયનાડ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડો. પી. રાજશેખરને કહ્યું કે ગાંધીના વાયનાડમાંથી ઉમેદવારી કરવાના નિર્ણયથી કોંગ્રેસના નેતૃત્વમાં રહેલા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ના કાર્યકરોમાં નવું જોમ આવ્યું છે. એમની ઉપસ્થિતિથી લોકસભાની ૨૦ બેઠકો  જીતવામાં મદદ મળશે.

કેરળવાસીઓે એક જ વસ્તુ વિષે ચર્ચા કરી રહ્યા છે અને એ છે ગાંધીનો આદિવાસી જિલ્લા વાયનાડમાંથી ઉમેદવારી કરવાના નિર્ણય વિશે.

વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને રાજ્યના ઇન્ટુક પ્રમુખ આર. ચંદ્રશેખરને કહ્યું કે લોકો અને એમાં ય ખાસ તો ખેડૂતો, રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂતવિરોધી અને મજૂરવિરોધી નીતિઓના લીધે હેરાન-પરેશાન થઇ ગયા હતા.

વાયનાડ અને કેરળના અન્ય ભાગોમાં ખેડૂતો કૃષિક્ષેત્રે કટોકટી હોવાથી આપઘાત કરી રહ્યા છે. ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ જો સત્તા પર આવશે તો એ ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માટે વચનબધ્ધ છે, એમ આર.ચંદ્રશેખરને ઉમેર્યું.

રાહુલ ગાંધી આજે રાત્રે કોઝિકોડે પહોંચશે, જ્યાંથી આવતીકાલે તા.૪ એપ્રિલે સવારે ૧૧.૩૦ વાગ્યે તેઓ વાયનાડ જિલ્લા કલેકટોરેટ ખાતે પહોંચશે અને એમનું ઉમેદવારીપત્ર સુપરત કરશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FX4CTU
via Latest Gujarati News

Post a Comment

0 Comments