(પીટીઆઇ) વોશિંગ્ટન,તા.3 એપ્રિલ 2019,બુધવાર
ભારત સ્થિત કોલ સેન્ટરોમાંથી અમેરિકામાં ૩૪૦ જણાને છેતરીને બે લાખ ડોલર ઉપરાંતની રકમ પડાવનાર ભારતીય મૂળના એક નાગરિકને અમેરિકાની એક કોર્ટે ૧૬ મહિનાની સજા ફટકારી હતી.જસ્ટિસ વિભાગે કહ્યું હતું કે મેહબુબ મન્સુરઅલી ચારણીયાએ કોલ સેન્ટરના નેટવર્ક દ્વારા લાખો ડોલર પડાવ્યા હતા.
ગેર કાયદે મની ટ્રાન્સફર કરવાના ગોરખ ધંધામાં સંડોવણી સાબીત થતાં ૧૭ જાન્યુઆરીએ ચારણીયાએ પોતાનો ગુનો કબુલ્યો હતો ત્યારે જ એ દોષિત ઠેરવાયો હતો.
૨૦૧૪માં જ્યોર્જિયાના ટુકરમાં આવીને વસેલા ચારણીયાને એક વર્ષ અને ચાર મહિનાની સજા અને ત્યાર પછી ત્રણ વર્ષના જામીન મળશે। ઉપરાંત ચારણીયા પર એસેસમેન્ટ પેટે ૧૦૦ ડોલર અને ભોગ બનેલાઓને ૨૦૩૯૫૮.૦૨ ડોલર પરત આપવા પણ કોર્ટે ઓર્ડર કર્યો હતો.
'ચારણીયા એ ગંગનો ભાગ હતો જેઓ શંકાસ્પદ નાગરિકોને ફોન કરી પોતે રેવેન્યુ ઓફિસર બોલે છે તેમ કહીને ડોલર પડાવતી હતી'એમ ન્યાય વિભાગે ક્હયું હતું.ટેક્સ એડમિન.ના ટ્રેઝરી વિભાગના ઇન્સપેકટર રસેલ જ્યોર્જ અનુસાર વિવિધ કોલ સેન્ટરોએ ૨૦૧૩ પછી ૧૫૦૦૦ પિડીતો પાસેથી ૭.૫ કરોડ ડોલર પડાવ્યા હતા.
અમેરિકાના તપાસ વિભાગે ૧૪૦ કૌભાંડીઓને શોધી કાઢ્યા હતા જેઓ ભારતમાં કોલ સેન્ટરો ચલાવી અમેરિકનોને ધમકી આપી એક ખાસ પ્રકારના ખાતામાં પૈસા આપવા ધમકી આપતા હતા.ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ નીશીત કુમાર પટેલને પણ કોર્ટે આઠ વર્ષની સજા અને બે લાખ ડોલરનો દંડ કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TTNfa7
via Latest Gujarati News
0 Comments