આજના સમયમાં હવે મહિલાઓ ઘરકામ સુધી સિમિત રહી નથી. મહિલાઓ ઉચ્ચ અભ્યાસ કરીને શિક્ષણથી લઇને ઉડ્ડીયન જેવા દરેક ક્ષેત્રમાં પોતાની ફરજ બજાવતી થઇ છે. આવા સમયે મહિલાઓને સૌ પ્રથમ પોતાના કામની સાથે પોતાના નાના બાળકોની ચિંતા સતત રહેતી હોય છે. હાલના સમયમાં મોટા ભાગનાં પરિવારમાં પતિ, પત્ની અને બાળક રહેતા હોય છે. જેમાં પોતાના કામને લીધે પતિ-પત્ની ફરજ પર જતા હોય છે અને બાળકને ઘરે એકલું રાખવું પડે તેવી સ્થિતિ થતી હોય છે. આવા સમયે બાળકની સારસંભાળ કરવા માટે ઘરે કોઇ મહિલા રાખવી પડતી હોય છે જે દરેક વ્યક્તિને પરવડે તે શક્ય નથી હોતું.આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એલ.ડી.એન્જિ. કોલેજના ૧૪ જેટલા અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં ૭૦થી ફરજ બજાવતી મહિલા પ્રોફેસરોમાં જેમના બાળકો ૩ મહિનાથી ૫ વર્ષ સુધીના હોય તેમના માટે 'ડે કેર સેન્ટર' બનશે.
આ વિશે એલ.ડી.ના પ્રિન્સિપાલ ડૉ. જી.પી.વડોદરિયાએ કહ્યું કે, મહિલા પ્રોફેસરો સાથે મિટીંગ યોજાઇ હતી, જેમાંં નાના બાળકો હોય તેવી મહિલા પ્રાધ્યપકોએે નાના બાળકોની સારસંભાળ માટે કંઇક વ્યવસ્થા થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેથી અમારી કોલેજમાં ૨૦૧૯ના જૂન માસના નવા શૈક્ષણિક સત્રથી ગર્લ્સ હોસ્ટેલના બિલ્ડીંગ પાસે આવેલ જગ્યામાં નાના બાળકોની સારસંભાળ થઇ શકે તેમજ માતા અને બાળક ચિંતામુક્ત રહે તે હેતુથી 'ડે કેર સેન્ટર' સેન્ટરની શરૃઆત થશે. અમે મહિલા અને બાળવિકાસમાં પત્ર લખેલ છે જો અમને તેમના દ્વારા કોઇ પ્રાથમિક સુવિધા કે પછી બાળકોની સારસંભાળ માટે જે કેરટેકર (મહિલા)ને ચોક્કસ મહેનતાણું આપે તો મહિલાને પોતાનું જીવન નિર્વાહ થઇ શકે છે. આમ ના થાય તો બાળકોની સારસંભાળ રાખી શકે તે માટે મહિલા પણ મૂકવામાં આવશે જેનો સેલેરી જે તે મહિલા પ્રોફેસરના બાળકો મૂકશે તેમને નક્કી કર્યા મુજબનો ખર્ચ આપવાનો રહેશે જેનાથી કોઇ મહિલાને રોજગારી પણ સામે મળી શકશે અને અલગ અલગ જગ્યાએ બાળકોને મૂકવામાં આવતા ખર્ચમાં ઘટાડો પણ થઇ શકશે. આ સિવાય એલ.ડી.માંથી પીએચ.ડી.કરતી મહિલાઓને વિવિધ જગ્યાએ ફરીને રિસર્ચ ડેટા કલેકટ કરવાનો હોવાથી તેમના બાળકો ડે કેર સેન્ટરમાં મૂકી શકાય તેવી અમારી વિચારણા છે. બાળકોને દૂધ, રમકડાં, ઘોડિયું, તેમજ પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા, ફ્રિજ જેવી સુવિધા આપવામાં આવશે. હાલમાં સચિવાલયમાં જે મહિલાઓ પોતાની ફરજ બજાવતી અને નાના બાળક હોય તેમને આ સુવિધાનો લાભ મળે છે.
રોજ ઈડરથી અપડાઉન કરું છું, ડે કેર સેન્ટર બનતાં રાહત મળશે
પોતાની શૈક્ષણિક ફરજ મુજબ ઇડરથી એલ.ડી.કોલેજ સુધી ૮ કલાકમાં ૨૨૦ કિલોમીટર અંતર અપડાઉન કરીને પણ પોતાના બાળક સાથે જરૃરિયાત મુજબ સમય ફાળવું છું. માતા અને બાળક વચ્ચનો પ્રેમ અનન્ય હોય છે. ૧૩ મહિનાના પુત્રને ઘરે મૂકીને આવું છું. કોલેજમાં રીસેશના સમયમાં બાળકને મળી શકાય અને પોતાના બાળકને સાથે હેત ભાવ આપી શકાય છે. ઘરે જઇને બાળકના કિલકિલાટને સાંભળતાં થાક ઉતરી જાય છેે. અમારા જેવા પ્રાધ્યાપકો માટે આ ડે કેર સેન્ટર ખૂબ ઉપયોગી બની રહેશે. - અલ્કા પટેલ, પ્રોફેસર, આઇટી ડિપાર્ટમેન્ટ
અચાનક બિમાર થાય તો સમયસર પહોંચી શકાય છે
મારે એક વર્ષનો અને ચાર વર્ષનું બાળક છે, જેમાં ઘરેથી કોલેજમાં આવ્યા પછી તે શું કરતો હશે તેની ચિંતા રહેતી હોય છે. ઘરે કોઇ તેની સારસંભાળ કરી શકે તેમ ન હોવાથી પ્રાઇવેટ 'ડે કેર'માં મૂકવા પડતા હોય છે જેનો ખર્ચ વધારે થતો હોય છે. બાળક અચાનક બિમાર થાય તો તે સ્થળ સુધી પહોંચતા વધારે સમય લાગતો હોય છે તેના બદલે કોલેજમાં જ આવી સુવિધા મળે તો તે આનંદની વાત છે. કોલેજમાં આ સેન્ટરમાં હોવાથી અમુક સમયમાં તેની સારસંભાળ લઇ શકાય છે અને બાળક પોતાની નજર સમક્ષ રહી શકે છે. - સાહિસ્તા કાજી, પ્રોફેસર, સિવિલ એન્જિ., ડિપાર્ટમેન્ટ
મહિલા ફેકલ્ટી વધુ હોવાથી આ સેન્ટર ખૂબ ઉપયોગી બનશે
અમારી કોલેજમાં પહેલાં મહિલા પ્રોફેસરો ઓછા હતા વહે સમય બદલાતાં એજ્યુક્શનમાં મહિલાઓ વધારે આગળ વધી છે. તેને લીધે હાલમાં દરેક ડિપાર્ટમેન્ટમાં મહિલાઓ પોતાની ફરજ બજાવે છે.બાળક સાથે માતાનો અતૂટ અને અખૂટ સંબંધ હોય છે. ૮થી ૯ કલાકની ફેકલ્ટી ડયુટીમાં તરીકે સેવા આપતાં મહિલાઓ વધુ હોવાથી તેમના બાળકો માટે આ ડે કેર સેન્ટર ખૂબ ઉપયોગી બનશે અને માતા પોતાના બાળક સાથે પ્રેમથી દેખરેખ રાખી શકશે. - રેનાબેન શુક્લ, વુમન કમિટીના મેમ્બર, સિવિલ એન્જિ.
શૈક્ષણિક કાર્યની સાથે બાળકનું ધ્યાન રાખવામાં ઉપયોગી બનશે
ઘરની અને શૈક્ષણિક જવાબદારી સાથે બાળકનો ઉછેર કરવો કેટલાક અંશે અઘરું છે પણ માતા પોતાના બાળક માટે ગમે તેવી પરિસ્થિતિમાં તેની કાળજી લેતી હોય છે. ૩ વર્ષની મારી દિકરીને મારા સસરા સાથે ઘરે મૂકીને આવું છું જે આખો દિવસ તેની સારસંભાળ રાખે છે. બાળક માટે જો કોલેજમાં આવી સુવિધા ઊભી થાય તે મહિલા પ્રોફેસરો માટે ગર્વની વાત છે. બાળકને આ સેન્ટરમાં સારસંભાળ લઇ શકાશે તેમજ અમારી સાથે જ તે રહે અને તેનું ધ્યાન રાખી શકાશે. કોલેજનું શૈક્ષણિક કાર્યની સાથે અમારા બાળકનું ધ્યાન રાખવામાં આ સેન્ટર ખૂબ ઉપયોગી બનશે અને તેનો લાભ અમે લઇશું .- જાન્વી પટેલ, પ્રોફેસર, આઇ.ટી.ડિપાર્ટમેન્ટ,
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uJPRgM
via Latest Gujarati News
0 Comments