માયાવતીને સુપ્રીમ કોર્ટનો ઝાટકોઃ ચૂંટણી પંચના પ્રતિબંધ વિરુદ્ધ સુનાવણીનો ઇન્કાર કર્યો

નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2019, મંગળવાર

ચૂંટણી પંચ બાદ સુપ્રીમ કોર્ટે પણ બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીને ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ દ્વારા માયાવતીને પ્રચાર કરવા માટે લાગુ કરેલા પ્રતિબંધના નિર્ણયને પડકારતી યાચિકા પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

ચૂંટણી પંચે માયાવતીને 48 કલાક સુધી કોઇ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરવાની રોક લગાવી હતી. માયાવતીએ આની વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા આપતા તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી જેને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે.

માયાવતી ઉપરાંત ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી ઉપર પણ જુદાં જુદાં સમયગાળા માટે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આઝમ ખાન અને યોગી આદિત્યનાથ પર ત્રણ દિવસનો પ્રતિબંધ તો માયાવતી અને મેનકા ગાંધી પર બે દિવસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજા તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર આજે થંભી જશે. મતલબ કે આ નેતાઓ હવે ત્રીજા તબક્કાના મતદાન માટે જ ચૂંટણી પ્રચાર કરી શકશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gppof6
via Latest Gujarati News

Post a Comment

0 Comments