આજે સુનાવણી બોન્ડ દ્વારા ડોનેશન આપનારાઓના નામ જાહેર કરવા કે કેમ તે મુદ્દે સુપ્રીમ નિર્ણય લેશે
નવી દિલ્હી, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર
પક્ષો માટે ચૂંટણી ફંડ મેળવવા કેન્દ્ર સરકાર ઇલેક્ટોરલ બોન્ડ લાવી છે. આ બોન્ડને લઇને હવે વિવાદ સર્જાયો છે અને મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આ બોન્ડમાં ફંડ આપનારાનું નામ જાહેર કરવાની માગ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જે મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો હતો.
સરકારે પોતાની દલીલમાં બોન્ડમાં નામ જાહેર ન કરવા જોઇએ તેમ કહ્યું હતું. સાથે દાવો કર્યો હતો કે ઇલેક્ટોરલ બોંડ યોજના પોલીસી સંબંધી નિર્ણય છે. કેન્દ્રનો જવાબ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલે હવે શુક્રવારે સુનાવણી કરવાનું નક્કી કર્યું છે.
કોર્ટમાં બોન્ડ મુદ્દે સરકાર વતી હાજર એટર્ની જનરલ કેકે વેણુગોપાલે વિચિત્ર પ્રકારની દલીલો કરી હતી, તેમણે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને મળનારા ભંડોલ અને દાનના પૈસા ક્યાથી આવ્યા છે તે જાણવાનો મતદારોને કોઇ અધિકાર નથી. અરજદારોએ એવી દલીલ કરી હતી કે મતદારોને પણ રાજકીય પક્ષોને ફંડ ક્યાંથી મળ્યું તે જાણવાનો અધિકાર છે.
જેના જવાબમાં વેણુગોપાલે જણાવ્યું હતું કે તેઓ એવી દલીલો કરી રહ્યા છે કે મતદારોને જાણવાનો અધિકાર છે, પણ મતદારોને શું જાણવાનો અધિકાર છે? રાજકીય પક્ષોને ફંડ ક્યાંથી મળી રહ્યું છે તે જાણવાની મતદારોને કોઇ જ જરુર નથી. આ ઉપરાંત પ્રાઇવેસીનો પણ કાયદો છે, જે બોન્ડ દ્વારા ભંડોળ આપે છે તેની પ્રાઇવેસી જળવાવી જોઇએ.
અરજદારોની એવી દલીલ છે કે પક્ષોને બોન્ડ દ્વારા ક્યાંથી પૈસા મળી રહ્યા છે અને કોણ દાન કરી રહ્યું છે તેની જાણકારી જાહેર કરવી જોઇએ, જ્યારે સરકાર આ માહિતી ગુપ્ત રાખવા માટે દબાણ કરી રહી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીમાં ગઠીત સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે હવે આ મામલે અમે ૧૨મીએ શુક્રવારે પોતાનો નિર્ણય સંભળાવીશું. એક સંસ્થા દ્વારા આ સમગ્ર મામલે સુપ્રીમમાં અરજી કરી છે.
અગાઉ બુધવારે આ મામલે સરકાર અને ચૂંટણી પંચ બન્ને આમને સામને આવી ગયા હતા. સરકારે નામ જાહેર ન કરવાની દલીલ કરી હતી. જ્યારે ચૂંટણી પંચે કહ્યંુ હતું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણીમાં પારદર્શીતા દાખવવામાં આવે. ગુરુવારે સરકાર વતી દલીલો કરતા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું હતું કે આ એક પોલીસી સંબંધી નિર્ણય છે અને સરકારને પોલીસી સંબંધી નિર્ણય લેતા કોઇ રોકી ન શકે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PcEUOl
via Latest Gujarati News
0 Comments