
પેઇચીંગ (ચીન) તા.18 એપ્રિલ 2019, ગુરુવાર
બોલિવૂડના બેતાજ બાદશાહ તરીકે જાણીતા સુપરસ્ટાર અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાનને ચીનના પેઇચીંગ શહેરમાં સેંકડો ફેન્સ ઘેરી વળ્યા હોવાની માહિતી મળી હતી.
પેઇચીંગ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં એની એક ફિલ્મ ઝીરો રજૂ થવાની હતી એટલે શાહરુખ ત્યાં હાજરી આપવા ગયો હતો. ફેસ્ટિવલની ક્લોઝીંગ સેરિમની તરીકે એેની લેટેસ્ટ ફિલ્મ ઝીરો રજૂ થઇ હતી. એ પ્રસંગે ચાહકોની ભીડે એને ઘેરી લીધો હતો.
રસપ્રદ વાત એ છે કે ઘરઆંગણે એની ઝીરો ફિલ્મ પીટાઇ ગઇ હતી. આ ફિલ્મમાં આનંદ એલ રાયે એને ડબલ રોલમાં રજૂ કર્યો હતો. એમાંનો એક રોલ વહેંતિયાનો હતો. મોડર્ન ટેક્નોલોજીની મદદથી શાહરુખને વહેંતિયા તરીકે રજૂ કરાયો હતો. જો કે ભારતમાં આ ફિલ્મે ધાર્યો બિઝનેસ કર્યો નહોતો.
શાહરુખને જોઇને હાજર રહેલા એના ચાહકો રીતસર ઘેલા થયા હતા અને એની એક ઝલક મેળવવા માટે ભીડ ધસારો કર્યો હતો. જો કે પોલીસ બંદોબસ્ત સારો હોવાથી શાહરુખે ચિંતા કરવા જેવું નહોતું. એની ઝીરો ફિલ્મને પણ લોકોએ હર્ષનાદોથી વધાવી લીધી હતી. આ ફિલ્મ ચીનમાં સ્થાનિક ભાષાના સબ-ટાઇટલ્સ સાથે રજૂ થઇ હતી. ડાયરેક્ટર આનંદ એલ રાય પણ શાહરુખની સાથે હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GjcGx1
via Latest Gujarati News
0 Comments