નવી દિલ્હી, તા. 18. એપ્રિલ 2019 ગુરુવાર
ભોપાલની લોકસભા બેઠક પર વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહ સામે ભાજપે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં કોંગ્રેસે આરોપી બનાવેલા સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી જંગમાં ઉતારતા વિપક્ષી પાર્ટીઓમાં હલચલ મચી ગઈ છે.
કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહ માટે આ હાઈપ્રોફાઈલ બેઠક પર મુશ્કેલીઓ વધી શકે છે.કારણકે ભાજપે બહારના કોઈ નેતાને ઉતારવાની જગ્યાએ સાધ્વી પ્રજ્ઞાના ચૂંટણી પ્રચારની જવાબદારી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને સોંપી દીધી છે.શિવરાજસિંહ ચૌહાણે ભાજપના નેતાઓની એક બેઠક બોલાવીને તેમને જવાબદારી પણ સોંપવા માંડી છે.શિવરાજસિંહની ભોપાલના મતદારો પર સારી પકડ મનાય છે.
16 વર્ષથી મધ્યપ્રદેશની રાજનીતિમાં સક્રિય દિગ્વિજયસિંહ હિન્દુત્વનુ પ્રતિક મનાતા સાધ્વી પ્રજ્ઞાનો મુકાબલો કેવી રીતે કરે છે તે જોવુ રસપ્રદ હશે.કારણકે સાધ્વીને જીતાડવા માટે હવે સંઘ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયુ છે.
આંકડાની રીતે જોવામાં આવે તો 1989થી આ બેઠક ભાજપ પાસે જ રહી છે.આ બેઠક પર લગભગ 75 થી 80 ટકા હિન્દુ અને 20 ટકા મુસ્લિમ મતદારો છે.આ લોકસભા બેઠક હેઠળની આઠ વિધાનસભા બેઠકો પૈકી પાંચ પર ભાજપ અને ત્રણ પર કોંગ્રેસનો કબ્જો છે.
સાધ્વી પ્રજ્ઞાને કોંગ્રેસની યુપીએ સરકારે 2008માં માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી બનાવીને જેલમાં ધકેલ્યા હતા.જોકે સાધ્વી પ્રજ્ઞાને 2017માં કોર્ટે પૂરાવાના અભાવે જામીન પર છોડ્યા હતા.સાધ્વીને નવ વર્ષ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો.
સાધ્વી બાળપણથી સંઘ તરફી વિચારો ધરાવે છે.તેમના પિતા પણ સંઘ સાથે જોડાયેલા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UJTTVC
via Latest Gujarati News
0 Comments