અમેરિકાના પ્રતિબંધને કારણે ઈરાન ખાતે ચા મોકલવા ભારતના નિકાસકારો દ્વારા નવા રુટ પર વિચારણા

નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2019, શુક્રવાર

અમેરિકાની સરકાર દ્વારા ઈરાન પર લાગુ કરાયેલા પ્રતિબંધને કારણે ભારતના ચા ઉત્પાદકો  અને નિકાસકારો ઈરાન ખાતે ચા મોકલવા માટેનો વૈકલ્પિક માર્ગ શોધી રહ્યા છે. પ્રતિબંધમાંથી અપાયેલી મુક્તિ ૪ મેથી લાગુ થાય તે રીતે અમેરિકાએ પાછી ખેંચી છે.

નિકાસ માટેના કેટલાક માર્ગોમાં ઈજિપ્ત, યુએઈ, રશિયા તથા કોમનવેલ્થ ઓફ ઈન્ડેપેન્ડન્ટ સ્ટેટસમાંના અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે. આ દેશમાંના કોઈપણ આયાતકારને ભારતના નિકાસકાર ચાની નિકાસ કરી શકે છે, અને ત્યાંથી  ઈરાન ખાતેના ભારતના જે આયાતકારો છે તેને આ માલ પૂરો પડાશે એમ એક સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું.

કરન્સીના જંગી ડિવેલ્યુએશનને કારણે આયાત ખર્ચમાં જોરદાર વધારો થવાના ભયે ઈરાને ભારતના અનેક બલ્ક ઉત્પાદકો સાથે ગયા વર્ષે ફોરવર્ડ કોન્ટ્રેકટ કરી નાંખ્યા છે. આ વર્ષે ચા મેળવવા માટે ઈરાનના ખરીદદારે ભારતના નિકાસકારને અગાઉથી પેમેન્ટની ચૂકવણી પણ કરી દીધી હોવાનું બજારના સુત્રો જણાવી રહ્યા છે.

ભારત માટે ઈરાન એક મોટી ટી માર્કેટ છે અને ચાની નિકાસમાં વધારો કરવા પણ ભારતના  ટ્રેડરો ઈરાદો ધરાવે છે, એમ ઈન્ડિયન ટી એસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.  ઈરાનનો ચાનો વાર્ષિક વપરાશ ૧૨.૮૦ કરોડ કી. ગ્રા. છે જેમાંથી ૩ કરોડ કી. ગ્રા. ચા ભારત ખાતેથી જાય છે. ૫ કરોડ કી. ગ્રા. શ્રીલંકા ખાતેથી તથા બાકીની રશિયા, તુર્કી તથા અન્ય દેશો ખાતેથી ખરીદવામાં આવે છે. 

ભારતની ચા માટે ઈરાન ખાતેથી નવી મોસમના પ્રારંભથી જ જોરદાર માગ રહે છે. ભારતમાં ચાની નવી મોસમ એપ્રિલમાં શરૂ થાય છે. ભારતના ચાના નિકાસકારો નવા ઓર્ડરોને લઈને પણ ચિંતીત  હોવાનું જોવા મળી રહ્યું છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V3SUQF
via Latest Gujarati News

Post a Comment

0 Comments