યોકોહામા, તા.૭
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી જી. સાથિયાને જાપાનમાં યોજાયેલા એશિયન કપમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરતાં આગામી ટેબલ ટેનિસ વર્લ્ડકપમાં ક્વોલિફાય કરી લીધું છે. ટેબલ ટેનિસનો વર્લ્ડકપ ઓક્ટોબર મહિનામાં ચીનના ચેંગ્ડુ ખાતે યોજાવાનો છે.
જી. સાથિયાને વર્લ્ડ રેન્કિંગમાં ૧૪મો ક્રમાંક ધરાવતા હોંગ કોંગના ચુન ટિંગ વોંગને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. જોકે પાંચમાં સ્થાન માટેના મુકાબલામાં તે ચાઈનીઝ તાઈપેઈના ૧૭ વર્ષના ખેલાડી લીન યુન-જુ સામે ટકી શક્યો નહતો. તેને ૧૧-૪, ૧૧-૮, ૧૧-૮, ૧૪-૧૨થી પરાજયનો સામનો કરવો પડયો હતો.
વર્લ્ડ રેન્કિંગમાં ૨૧મું સ્થાન ધરાવતા ૧૭ વર્ષના તાઈપેઈના ખેલાડી લીન યુન-જુએ ભારતના ૨૬ વર્ષના ખેલાડી સામે અત્યંત પ્રભુત્વસભર રમત દર્શાવી હતી. લીને તાજેતરાં જ ચેલેન્જર પ્લસ ઓમાન ઓપન જીતી લીધી હતી.
આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ રેન્કિંગમાં ભારતનો જી. સાથિયાન ૨૮મો ક્રમાંક ધરાવે છે. જોકે તે તાઈપેઈના બીજા ક્રમના ખેલાડી સામે એક પણ ગેમ જીતી શક્યો નહતો.
અગાઉ સાથિયાનને ક્વાર્ટર ફાઈનલમાં ચીનના દિગ્ગજ ખેલાડી મા લોંગ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો, જે પછી તેણે પાંચમાંથી આઠમા ક્રમના મુકાબલામાં હોંગ કોંગના વોંગને ૧૨-૧૦, ૧૦-૧૨, ૧૧-૫, ૧૧-૬, ૧૧-૮થી પરાજીત કરીને નવો ઈતિહાસ રચી દીધો હતો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vvxx6D
via Latest Gujarati News
0 Comments