મોહાલી, તા.૭
મુંબઈ સામેની મેચમાં બેટ્સમેનોના ફ્લોપ શૉ પછી પરાજય બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ આવતીકાલે જીતના જુસ્સા સાથે મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમવા ઉતરશે. ભુવનેશ્વર અને અશ્વિનની ટીમો વચ્ચેના મુકાબલામાં બંનેને બેટસમેનોના દેખાવમાં સુધારાની આશા છે.અશ્વિનની પંજાબની ટીમ ચેન્નાઈ સામેના આખરી મુકાબલામાં કંગાળ બેટીંગને કારણે હારી હતી. જ્યારે હૈદરાબાદ તો મુંબઈ સામે માત્ર ૧૩૭ના ટાર્ગેટ સામે ૯૬માં ખખડી ગયું હતુ.
મોહાલીમાં આવતીકાલે ખેલાનારો જંગ પોઈન્ટ ટેબલમાં બંને ટીમોને આગેકૂચ કરવાની તક આપશે. હૈદરાબાદનો રનરેટ ઘણો સારો છે અને જો તેઓ આવતીકાલે જીતશે તો ચેન્નાઈને પાછળ ધકેલીને પોઈન્ટ ટેબલમા નંબરવન બની જશે. જ્યારે પંજાબની ટીમ પણ પોઈન્ટ ટેબલમાં ટોપ-ટુમાં સ્થાન મેળવવાનો ઈરાદો રાખી રહી છે. આવતીકાલે રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.
ગેલ-રાહુલનો સામનો રાશિદ-નાબી સામે થશે
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમમાં વિન્ડિઝના ધરખમ બેટ્સમેન ક્રિસ ગેલની સાથે લોકેશ રાહુલ તેમજ સરફરાઝ ખાન અને ડેવિડ મીલર, મયંક અગ્રવાલ અને મનદીપ સિંઘ જેવા બેટ્સમેનો છે, જેઓની કસોટી હૈદરાબાદમાં સામેલ અફઘાન સ્પિનરો રાશિદ અને નાબી સામે થશે. હૈદરાબાદની ટીમમાં ભુવનેશ્વર કુમાર, થામ્પી, સ્ટાન્લેક તેમજ સિદ્ધાર્થ કૌલ, નદીમ અને સંદીપ શર્મા જેવા બોલરો છે, જેઓ ચાલુ સિઝનમાં ફોર્મ દેખાડી ચૂક્યા છે.
હૈદરાબાદના મીડલ ઓર્ડરે વધુ જવાબદારી ઉઠાવવી પડશે
વોર્નર અને બેરસ્ટોની જોડીએ આઇપીએલની ચાર મેચોમાં જબરજસ્ત પર્ફોમન્સ આપતા સતત ત્રણ મેચમાં શતકીય ઓપનિંગ ભાગીદારી કરી હતી. જોકે મુંબઈ ઈન્ડિયન્સ સામે તેઓ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જે પછી ટીમના મીડલ ઓર્ડરનો ફ્લોપ શૉ સામે આવ્યો હતો. વિજય શંકર, મનીષ પાંડે, દીપક હૂડા, યુસુફ પઠાણ જેવા મીડલ ઓર્ડરના બેટ્સમેનોએ વધુ જવાબદારી સાથે ટીમને જીત તરફ અગ્રેસર કરવાની જરુર છે. પંજાબની પાસે આર. અશ્વિન અને એમ. અશ્વિન જેવા સ્પિનરો છે. જ્યારે શમી, ટાય અને સેમ કરન જેવા મીડિયમ પેસરો છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D136yf
via Latest Gujarati News
0 Comments