નોઉ કેમ્પ,તા. ૭
બાર્સેલોના ફૂટબોલ કલબે સ્પેનિશ લીગની હાઈવોલ્ટજ મેચમાં તેના કટ્ટર હરિફ એવા એટ્લેટિકો મેડ્રિડને ૨-૦થી હરાવ્યું હતુ. ઘરઆંગણે રમતાં બાર્સેલોના તરફથી મેસી અને સુઆરેઝે ગોલ ફટકાર્યા હતા. તનાવભરી મેચમાં એટ્લેટિકોના સુપરસ્ટ્રાઈકર ડિએગો કોસ્ટાને રેડ કાર્ડ દેખાડવામાં આવ્યું હતુ. લા લીગામાં રિયલ મેડ્રિડે ઈબેર સામે ૨-૧થી જીત મેળવી હતી. એક તબક્કે ૦-૧થી પાછળ પડેલા રિયલને બેન્ઝેમાએ બે ગોલ ફટકારીને ટીમને જીત અપાવી હતી.
હાઈવોલ્ટેજ મુકાબલામાં ૨૮મી મિનિટે એટ્લેટિકોના સ્ટ્રાઈકર ડિએગો કોસ્ટાને રેફરી સાથે બોલાચાલી થઈ હતી. તેણે રેફરીને અપશબ્દો કહેતા વિવાદ સર્જાયો હતો. જે પછી રેફરીએ તેને રેડ કાર્ડ દેખાડીને મેદાનમાંથી બહાર કાઢી મૂક્યો હતો. બાર્સેલોનાના ખેલાડીઓએ આખરી પાંચ મિનિટમાં જબરજસ્ત રમત દર્શાવી હતી અને ડ્રો તરફ આગળ વધતી મેચમાં જીત મેળવી હતી.
આ જીતની સાથે બાર્સેલોનાએ પોઈન્ટ ટેબલમાં૧૧ પોઈન્ટની સરસાઈ મેળવી લીધી છે. લા લીગામાં હવે માત્ર સાત મેચ બાકી છે, ત્યારે બાર્સેલોના આ વખત ચેમ્પિયન બનશે તે નક્કી લાગી રહ્યું છે.
રાહુલ દ્રવિડ પર ફૂટબોલ ફિવર
ભારતના લેજન્ડરી બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે સ્પેનની જાણીતી ફૂટબોલ કલબ બાર્સેલોનાની મુલાકાત લીધી હતી. તેણે બાર્સલોના હોમગ્રાઉન્ડ નોઉ કેમ્પ ખાતે રમાયેલી યજમાન ટીમ અને એટ્લેટિકો મેડ્રિડ વચ્ચેની મેચ નિહાળી હતી, જેમાં આખરી પાંચ મિનિટમાં બે ગોલ ફટકારીને બાર્સેલોના વિજેતા બન્યું હતુ. મેસી અને સુઆરેઝે ગોલ ફટકાર્યા હતા.
બાર્સેલોનાએ રાહુલ દ્રવિડને તેનુ નામ લખેલી ટી શર્ટ ભેટમાં આપી હતી. દ્રવિડે કહ્યું હતુ કે, મેં મેસીથી વધુ સારો ફૂટબોલર જોયો નથી. મારું એ વર્ષોથી સ્વપ્ન હતું કે, નોઉ કેમ્પમાં બેસીને બાર્સેલોનાની મેચ જોવી, જે સ્વપ્ન આજે પુરુ થયું છે. અહીનું વાતાવરણ વિજળી જેવું જીવંત છે. મેસી અને સુઆરેઝ જેવા ખેલાડીઓને નજરની સામે લાઈવ રમતાં જોવાનો અનુભવ રોમાંચક બની રહ્યો.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VvxZBQ
via Latest Gujarati News
0 Comments