લંડન, તા.૭
ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦એ ક્રિકેટરો પર ધનની વર્ષા કરી છે અને જાણે ક્રિકેટ કાર્નિવલ ચાલતો હોય તેવો હસી-ખુશીનો માહૌલ રચાતો જોવા મળે છે. જોકે આ બધાની પાછળ આઇપીએલનો એક ચહેરો એવો પણ છે કે, જેમાં સખત તનાવ અને સતત પર્ફોમન્સ આપવાનું ભારે દબાણ જોવા મળે છે. આઇપીએલમાં જુદી-જુદી બે ફ્રેન્ચાઈઝીના કોચ રહી ચુકેલા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેડ હોજે આઇપીએલમાં પરદા પાછળના રહસ્યનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતુ કે, આઇપીએલમાં કોચ પર સફળતાનું ભારે દબાણ રહે છે. ફ્રેન્ચાઈઝીઓની એક જ વાત હોય છે કે, તમે ટીમને ફાઈનલમાં પહોંચાડો નહી તો તમારો સામાન બાંધો અને નીકળી જાવ.
૪૪ વર્ષના બ્રેડ હોજે ઈએસપીએનક્રિકઈન્ફો વેબસાઈટ સાથેની મુલાકાતમાં આ અંગેનો ખુલાસો કર્યો હતો. બ્રેડ હોજ ગત વર્ષે કિંગ્સ ઈલેવન પંજાબના કોચ હતા અને તેમની ટીમ ફ્લોપ સાબિત થઈ હતી અને તેઓ સાતમા ક્રમે રહ્યા હતા, જે પછી હોજની હકાલપટ્ટી થઈ હતી. આ પછી હાલમાં ટીમના કોચ તરીકે ન્યુઝીલેન્ડના હેન્સેનને જવાબદારી સોંપાઈ છે.
આઇપીએલમાં સફળતાનું દબાણ ખેલાડીઓ કરતાં કોચ પર વધુ જોવા મળે છે. હોજે કહ્યું કે,આઇપીએલ કોચ માટે તો ગળાકાપ સ્પર્ધા છે. મેં કિંગ્સ ઈલેવન પંજાબના માલિકોને કહ્યું કે, તમે સફળતાની વ્યાખ્યા કેવી રીતે કરો છો ? તમે ખરેખર કરવા શું માગો છો ? તમે છેલ્લા ૧૦ વર્ષમાં એક પણ ટાઈટલ જીત્યા નથી અને જો હું આવતા વર્ષે વિજેતા ન બનું તો તમે મારું મૂલ્યાંકન કેવી રીતે કરશો ?
બ્રેડ હોજે આઇપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી - ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનું ઉદાહરણ આપતાં કહ્યું હતુ કે, તેમની સફળતાની પાછળ લાંબા ગાળાનું વિઝન છે. કોઈ ફ્રેન્ચાઈઝી ૧૦ વર્ષમાં ત્રણ ટાઈટલ્સ જીતી શકે. જો તમે સતત ત્રણ વર્ષ ન જીતી શકો પણ લાંબા ગાળાનું આયોજન ચોક્કસ સફળતા અપાવી શકે.
નોંધપાત્ર છે કે, બ્રેડ હોજ રાજસ્થાન, કોચી અને કોલકાતા ફ્રેન્ચાઈઝી તરફથી રમી ચૂક્યો છે. તેણે ગુજરાત લાયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબના કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી છે. આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વર્ષ ૨૦૦૯થી સ્ટીફન ફ્લેમિંગને કોચ બનાવ્યો છે તે હજુ જારી છે. જ્યારે ટોમ મુડી હૈદરાબાદની ટીમના કોચ તરીકે ૨૦૧૩થી કાર્યરત છે. રાજસ્થાન રોયલ્સનો પેડી અપટોન અને કોલકાતાનો જેક કાલીસ પણ ચારથી વધુ વર્ષોથી એક જ ફ્રેન્ચાઈઝી સાથે છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VsWPCp
via Latest Gujarati News
0 Comments