નવી દિલ્હી, તા. 4. એપ્રિલ 2019 ગુરુવાર
ભારતીય વાયુસેનાના પંજાબ સ્થિત રડાર કંટ્રોલ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા અધિકારીને વાયુસેના વિશિષ્ટ સેવા પદક આપશે.
પાક વિમાનોએ બાલાકોટ એર સ્ટ્રાઈકના બીજા દિવસે ભારતની સીમામાં ઘુસીને કરેલા હુમલાને નિષ્ફળ બનાવવામાં આ મહિલા અધિકારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વિમાનોના ધાડા ભારતની સીમામાં ઘૂસ્યા હતા ત્યારે ભારતના વિમાનોને રડાર કંટ્રોલ સ્ટેશનમાંથી મહિલા અધિકારીએ તનાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પણ સતત પાક વિમાનોની હિલચાલ અંગે જાણકારી આપી હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે પાકના વિમાનોએ એલઓસી ક્રોસ કરી તે સાથે જ પંજાબ સ્થિત રડાર કંટ્રોલ હબે વાયુસેનાના બે સુખોઈ અને બે મિરાજ વિમાનોને એલર્ટ કરી દીધા હતા.પાક વિમાનોની મોટી સંખ્યા હોવાનુ ખબર પડતા રડાર હબે બીજા 6 મિગ 21 વિમાનોને સંદેશો આપ્યો હતો.તેમાં આ મહિલા અધિકારીની ભૂમિકા મહત્વની રહી હતી.
મહિલા અધિકારીએ વાયુસેનાના વિમાનોને એ પણ જાણકારી આપી હતી પાકના એફ 16 વિમાનો બેહદ ખતરનાક એમરામ મિસાઈલથી સજ્જ છે.જેના પગલે પાયલોટોને અગાઉથી ચેતવણી મળી ગઈ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uLulYQ
via Latest Gujarati News
0 Comments