
વેપાર તંગદિલી અને બ્રેકઝિટ મુદ્દાને કારણે એશિયા ડેવલપમેન્ટ બેન્કે ૨૦૧૯ માટેના ભારત તથા દક્ષિણપૂર્વ એશિયાના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે.
ભારતનો આર્થિક વિકાસ દર જે ડિસેમ્બરમાં ૭.૬૦ ટકા રહેવાની ધારણાં મુકાઈ હતી તે ઘટાડીને ૭.૨૦ ટકા કરાઈ છે અને સાઉથઈસ્ટ એશિયા માટેનો આ દર ૪.૯૦ ટકા મુકાયો હોવાનું એશિયન ડેવલપમેન્ટ બેન્કના એક રિપોર્ટમાં જણાવાયું છે. અમેરિકા તથા ચીન વચ્ચેના વેપાર વિવાદને પગલે ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો જોવા મળી શકે છે અને યુરોપમાંથી બ્રિટન અલગ થવાની શકયતા તથા નાણાં બજારોની વોલેટિલિટી વધારાના જોખમો ધરાવે છે.
અમેરિકાની રાજકોષિય નીતિમાંથી વિવિધ અનિશ્ચિતતાઓ ડોકિયા કરી રહી છે અને બ્રેકઝિટને કારણે ઊભી થનારી સૂચિત અવ્યવસ્થાની અસરથી વિકસિક દેશોનો વિકાસ દર અપેક્ષા કરતા નીચો રહી શકે છે.
બેન્કે ચીનનો ૨૦૧૯ માટેનો આર્થિક વિકાસ દર ૬.૩૦ ટકા મૂકયો છે અને ૨૦૨૦ માટેનો દર ૬.૧૦ ટકા રહેવાનો અંદાજ છે. અમેરિકામાં વ્યાજ દરમાં જોરદાર વધારો થવાની અપેક્ષા હાલમાં મંદ પડી છે, તેમ છતાં નીતિવિષયકોએ હાલના અનિશ્ચિત સમયમાં સાવધ રહેવાની જરૂર હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
વિકાસસિલ એશિયામાં મોટા આર્થિક અવરોધોને પરિણામે આ વર્ષે રિટેલ ફુગાવો અગાઉના અંદાજ કરતા નીચો રહેશે. ડોલર ડેબ્ટ પર આધાર રાખતા દેશો માટે વિનિમયના દરમાં વોલેટિલિટી સમશ્યારૂપ બની શકે છે.
આ રિપોર્ટની બીજી તરફ તાજેતરમાં ચાલુ ૨૦૧૯ના કેલેન્ડર વર્ષમાં વૈશ્વિક વેપાર વૃદ્ધિ ગત વર્ષની તુલનાએ ઓછા રહેવાનો અંદાજ વર્લ્ડટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા મૂકવામાં આવ્યો છે.
ઓર્ગેનાઇઝેશને તેના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અનેક દેશો વચ્ચે વધતો તનાવ અને આર્થિક અનિશ્ચિતતાના પગલે વૈશ્વિક વેપાર વૃદ્ધિમાં ઘટાડો જોવાશે. વૈશ્વિક સ્તરે વિવિધ દેશોની ગતિવિધિને ધ્યાનમાં રાખીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને વૈશ્વિક વેપાર વૃદ્ધિનો અંદાજ ઘટાડીને ૨.૬ ટકા કરવામાં આવ્યો છે.
જે અગાઉ ૩.૭ ટકા જાહેર કરાયો હતો. આ આંકડો ૨૦૧૮ના વર્ષમાં હાંસલ થયેલ ૩ ટકાની વૃદ્ધિના આંકડા કરતા પણ નીચો છે.૧૬૪ જેટલા સભ્યો ધરાવતા આ ઓર્ગેનાઇઝેશને રજૂ કરેલા વાર્ષિક અંદાજ રિપોર્ટમાં જણાવ્યું હતું કે વિવિધ માળખાકીય સહિતની વર્લ્ડ ઇકોનોમી એટલે કે વૈશ્વિક અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર જોવા મળશે. વિવિધ પ્રતિકૂળતાઓ પૈકીની મુખ્ય પ્રતિકૂળતા અમેરિકા- ચીન વચ્ચેનું ઘર્ષણ છે.
અમેરિકા દ્વારા છેડાયેલ ટ્રેડવોર મુદ્દે આ બે દેશ વચ્ચે વાટાઘાટો તો ચાલે જ છે પણ તેનું પરિણામ અને સુખદ સ્થિતિનું નિર્માણ કયારે થશે તે નિશ્ચિત નથી. આ પ્રતિકૂળતાના છાંટા અનેક દેશોને ઉડયા છે. તો બીજી તરફ બ્રેક્ઝિટ અંગેની કવાયતની પણ ગ્લોબલ ટ્રેડ પર અસર થવા પામી છે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની જેમ જ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે (આઇએમએફ) પણ તાજેતરમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ૨૦૧૯ના વર્ષમાં વૈશ્વિક વેપાર વૃદ્ધિના અગાઉના અંદાજમાં ઘટાડો થઈ શકે છે.
સમગ્ર વિશ્વના અર્થતંત્રને બ્રેક્ઝિટનો આંચકો આવી શકે છે. આઇએમએફના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર બ્રેક્ઝિટનો ખતરો તો તોળાઈ જ રહ્યો છે તેની સાથોસાથ વિવિધ દેશોમાં દેવાના ઉંચા સ્તર, વધતો વેપાર તનાવ અને નાણાં બજારોની બેચેની પ્રતિકૂળતાની પણ વૈશ્વિક અર્થતંત્ર પર અસર જોવાશે.
ઉદ્ભવેલી આ પ્રતિકૂળ સ્થિતિના કારણે દુનિયાના બે તૃતિયાંશ જેટલા અર્થતંત્રોની વૃદ્ધિ ઘટવાની અથવા તો સુસ્ત રહેવાની સંભાવના છે. આ ગતિવિધિને ધ્યાનમાં રાખીને જ આઇએમએફે ચાલુ વર્ષના પ્રારંભે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરના અંદાજમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.
વૈશ્વિક અર્થતંત્ર સામે ઉદ્ભવેલ અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને જ યુ.એસ. ફેડરલ રિઝર્વ સહિત અન્ય કેટલાક દેશોની મધ્યસ્થ બેકોએ વ્યાજદરના મુદ્દે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. ચીન પણ પોતાના અર્થતંત્રને વેગ આપવા પોતાના ચલણ સંબંધી કેટલાક મહત્ત્વના પગલા ભરી રહી છે.
બ્રેક્ઝિટના મુદ્દાને લઈને પણ હાલ ભારે અસમંજસભરી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. બ્રેક્ઝિટના પગલે માત્ર બ્રિટનને જ નહી બલ્કે, યુરોપિયન યુનિયનને પણ મોટાપાયે જંગી આર્થિક નુકસાન થવાના ગણિત મંડાઈ ચૂક્યા છે.
તો બીજી તરફ બ્રેક્ઝિટની અન્ય દેશોના અર્થતંત્ર પર પણ અસર જોવાશે. સમગ્ર પરિસ્થિતિથી વાકેફ નિષ્ણાતોના જણાવ્યા મુજબ બ્રેક્ઝિટના પગલે અબજો ડોલરનું નુકસાન થવાની સંભાવના છે. જેના પગલે અનેક દેશોનો વિકાસ દર અપેક્ષાથી નીચો મૂકાવાની સંભાવના છે તે બીજી તરફ ડોલરરૂપી દેવા પર આધાર રાખતા દેશો માટે વિનિમયના દરમાં પણ વોલેટિલીટીભરી સ્થિતિ ઉદ્ભવશે.
આમ, વિશ્વની બે આગેવાન સંસ્થાઓ દ્વારા ઉપરોક્ત પ્રતિકૂળતાઓને ધ્યાનમાં લઈ તે અંગે અભ્યાસ કર્યા બાદ સમગ્ર વિશ્વના અર્થતંત્રને આંચકો આપવાની સાથોસાથ વૃદ્ધિ ઘટવાનો અંદાજ મુકાતા વૈશ્વિક મંદીનો માહોલ ધીમે ધીમે પ્રબળ બની રહ્યો હોવાનું તારણ રજૂ કર્યું છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uP3qeR
via Latest Gujarati News
0 Comments