અમદાવાદ, તા. 3 એપ્રિલ 2019, બુઘવાર
આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે આમ છતાં મોડી રાત સુધી અમદાવાદ પૂર્વની બેઠક માટેના ઉમેદવારની પસંદગી ભાજપ કરી શક્યું નથી તેમજ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ કોઈ નામ નક્કી કરી શકાયું નથી. બીજી બાજુ જાણવા મળે છે કે નારણકાકાના ભારે વિરોધ છતાં ભાજપના નેતાઓએ કોંગ્રેસમાંથી બળવો કરીને આવેલા ડૉ. આશાબેન પટેલને ટિકિટ આપવાનું મન બનાવી લીધું છે.
જયારે લોકસભાની અમદાવાદ પૂર્વની બેઠક માટે ભાજપના અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જગદીશ પટેલને ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ ભાજપ દ્વારા હજુ આ અંગેની કોઇ સત્તાવાર જાહેરાત મોડીરાત સુધી કરવામાં આવી નથી આજે બપોરે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર તથા સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના ટોચના નેતાઓની બેઠક મળી હતી.
એટલું જ નહીં ધારાસભ્ય અને સિનિયર નેતા વલ્લભ કાકડિયા તથા જગદીશ પટેલ અને આશાબેન પટેલ તથા કે.સી.પટેલ જેવા નેતાઓને બોલાવ્યા હતા તેમની સાથે મિટિંગ પણ કરી હતી આમ છતાં મોડી રાત સુધી ઊંઝા વિધાનસભાની બેઠક અને અમદાવાદ પૂર્વ ની લોકસભાની બેઠક માટે કોને ટિકિટ આપી તેની સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં નિકોલ વિધાનસભા ની ચૂંટણી માટે જગદીશ પટેલ નું નામ બોલાતું હતું તેમને ટિકિટ મળે તેવી પૂરી શક્યતા હતી પરંતુ છેલ્લી ઘડીએ હાલના અમદાવાદ શહેરના પ્રમુખ અને નિકોલના ધારાસભ્યો જગદીશ પંચાલ સ્કાઈલેબ બનીને ત્રાટક્યા હતા જેને કારણે જગદીશ પટેલને ટિકિટ મળી ન હતી આ અંગે જગદીશભાઈ પટેલનો સંપર્ક સાધતા તેઓએ કહ્યું કે હજુ સુધી મને ટિકિટ મળી છે એવું કોઈએ મને સત્તાવાર જણાવ્યું નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VixD1o
via Latest Gujarati News
0 Comments