ભોજપુરી અભિનેતા રવિ કિશનને ભાજપે ગોરખપુર બેઠકથી મેદાનમાં ઉતાર્યા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા.15 એપ્રિલ, 2019, સોમવાર

ભાજપે ભોજપુરી અભિનેતા રવિ કિશનને ગોરખપુર બેઠકથી લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ગોરખપુરના વર્તમાન સાંસદ પ્રવીણ નિષાદને સંત કબીરનગરની ટિકિટ ફાળવી છે અને શરદ ત્રિપાઠીનું પત્તું કાપ્યું છે. ભાજપે આખરે બહુચર્ચિત ગોરખપુર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભોજપુરી અભિનેતા રવિ કિશનના નામની જાહેરાત કરી છે. રવિ કિશન ગત પેટા ચૂંટણી વખતથી જ ગોરખપુર બેઠક માટે પ્રયત્નો કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું અને આખરે તેમને સફળતા મળી છે.

અમરેન્દ્ર નિષાદ, ધર્મેન્દ્ર સિંહ, ઉપેન્દ્ર શુક્લ, પી.કે. મલ્લ સહિત અનેક નામોને પાછળ રાખીને રવિ કિશને ગોરખપુર બેઠકની ટિકિટ મેળવી છે. જાણકારોના મતે ગત વખતના ઉમેદવાર ઉપેન્દ્ર દત્ત શુક્લની જગ્યાએ રવિ કિશન શુક્લને ટિકિટ ફાળવીને ભાજપે જાતિય અને પક્ષની અંદરના આંતર્વિરોધી સમીકરણોને એક સાથે જ સાધવા પ્રયાસ કર્યો છે. 

જૌનપુરના રહેવાસી ૪૮ વર્ષીય રવિ કિશને ૨૦૧૭ની સાલમાં ભાજપનો ખેસ પહેર્યો હતો. રવિ કિશન ગત લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસની ટિકિટથી જૌનપુર બેઠક પરથી ચૂંટણી લડયા હતા. ગોરખપુર બેઠક ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગઢ ગણાય છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વખતે યોગી આદિત્યનાથે ભાજપને પ્રચંડ વિજય અપાવ્યો હતો અને મુખ્યમંત્રી બન્યા બાદ તેમને પોતાની લોકસભા બેઠક છોડવી પડી હતી.

યોગી આદિત્યનાથે પાંચ વખત ગોરખપુર બેઠકથી લોકસભા ચૂંટણીમાં વિજય મેળવેલો છે. થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલા પ્રવીણ નિષાદને ગોરખપુર બેઠક ફાળવવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી હતી પરંતુ રવિ કિશનને ઉમેદવાર ઘોષિત કરીને ભાજપ તરફથી મોટો દાવ રમવામાં આવ્યો છે. 

ભાજપે ગોરખપુરના વર્તમાન સાંસદ પ્રવીણ નિષાદને સંત કબીરનગર બેઠક ફાળવી છે જ્યારે સંત કબીરનગર બેઠકના વર્તમાન સાંસદ શરદ ત્રિપાઠીનું પત્તું કાપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જૂતાકાંડને કારણે શરદ ત્રિપાઠીનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું હતું. સામે તેમના પિતા તથા ઉત્તર પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ રામપતિ રામ ત્રિપાઠીને ભાજપે દેવરિય બેઠકથી ઉમેદવાર જાહેર કર્યા છે.

લોકસભાની પેટા ચૂંટણીમાં પ્રવીણ નિષાદે ભાજપના ઉમેદવારને હરાવીને વિજય મેળવ્યો હતો. આ વખતે પણ તેઓ સપા-બસપા મહાગઠબંધનના સંભવિત ઉમેદવાર ગણાઈ રહ્યા હતા પરંતુ ચૂંટણી પહેલા જ તેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GoON8H
via Latest Gujarati News

Post a Comment

0 Comments