આંધ્રમાં મત આપવા ગયેલા ઉમેદવારે ગુસ્સામાં EVM મશીન તોડી નાંખ્યું


(પીટીઆઈ) અમરાવતી, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર

આંધ્ર પ્રદેશમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન જન સેના પાર્ટીના એક ઉમેદવારે ઈવીએમ મશીન તોડી નાંખતા ધમાલ મચી ગઈ હતી. જન સેના પાર્ટીના ઉમેદવાર મધુસૂદન ગુપ્તાએ પોલિંગ બૂથ પર ચૂંટણી કર્મચારીઓ સાથે બબાલ બાદ મશીનને જમીન પર પછાડયું હતું. 

આ સમગ્ર ઘટના આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાની ગુંટાકલ વિધાનસભા બેઠકના એક પોલિંગ બૂથ ખાતે બની હતી. મધુસૂદન જ્યારે મતદાન માટે ગયા ત્યારે મશીનમાં સંસદીય અને વિધાસભા બેઠક યોગ્ય રીતે ન દેખાતી હોવાથી તેઓ નારાજ થયા હતા અને ચૂંટણી કર્મચારીઓ સાથે રકઝક કરવા લાગ્યા હતા.

ત્યાર બાદ અકળાઈને તેમણે ઈવીએમ મશીનને ઉપાડીને નીચે જમીન પર પછાડયું હતું જેથી મશીન તૂટી ગયું હતું. આ ઘટનાનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મધુસૂદન ઈવીએમ મશીનને જમીન પર પછાડી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ઘટના બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આંધ્ર પ્રદેશમાં લોકસભા ચૂંટણી સાથે જ વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

ગુરુવારે પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યની ૧૭૫ વિધાનસભા અને ૨૫ લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં અનેક પોલિંગ બૂથ પર ઈવીએમ મશીનમાં ખરાબીની સમસ્યા સામે આવી હતી. રાજ્યમાં ૩,૯૩,૪૫,૭૧૭ મતદાતાઓ નોંધાયા છે જે પૈકીના ૧૦.૫ લાખ મતદાતાઓની ઉંમર ૧૮-૧૯ વર્ષની વચ્ચે છે. પ્રદેશમાં લોકસભાની ૨૫ બેઠકો માટે ૩૧૯ ઉમેદવાર અને વિધાનસભાની ૧૭૫ બેઠકો માટે ૨૧૧૮ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં કુલ ૪૬,૧૨૦ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UvvNhf
via Latest Gujarati News

Post a Comment

0 Comments