
પાક.નું એક પણ F-16 ગુમ થયું નથી : F-16 લડાકુ વિમાનોની પ્રતિષ્ઠા બચાવવા અમેરિકાએ પાકિસ્તાનને ક્લિનચિટ આપી દીધી
(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર
અમેરિકાએ પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનોની ગણતરી કરી હતી અને પાકિસ્તાન પાસે બધા જ વિમાનો હોવાનું જણાવ્યું હતું. રશિયન બનાવટના મિગ વિમાને F-16 લડાકુ વિમાનને તોડી પાડયું હોય એ વાત અમેરિકા માનવા તૈયાર નથી. F-16 વિમાનોની પ્રતિષ્ઠા બચાવવા અમેરિકન અધિકારીઓએ આ બાબતે પાકિસ્તાનને ક્લિનચિટ આપી દીધી છે.
ભારતની સરહદમાં પાકિસ્તાનનું F-16 લડાકુ વિમાન ઘૂસી આવ્યું હતું અને ભારતીય વાયુસેનાએ એ વિમાનને તોડી પાડયું હતું. તે પછી અમેરિકાએ પાકિસ્તાન પાસે તેનો ખુલાસો માગ્યો હતો. પાકિસ્તાનના અહેવાલો ઉપર વિશ્વાસ ન હોવાથી અમેરિકાએ ખુદ તેની ગણતરી કરી છે.
અમેરિકાએ પાકિસ્તાનને F-16 લડાકુ વિમાનો એ શરતે આપ્યા હતા કે તેની મદદથી પાકિસ્તાની લશ્કર આતંકવાદીઓનો ખાતમો બોલાવી શકે, પરંતુ પાકિસ્તાની લશ્કરે ભારત સામે તેનો ઉપયોગ કર્યો એવો દાવો ભારતીય વાયુસેનાએ કર્યો તે પછી અમેરિકાએ પાકિસ્તાન લશ્કર પાસે તેનો ખુલાસો પૂછ્યો હતો.
એટલેથી અમેરિકાએ સંતોષ માન્યો ન હતો. પાકિસ્તાનના દાવા ઉપર ભરોસો કરવાને બદલે ખુદ અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ F-16 લડાકુ વિમાનોની ગણતરી કરી હતી. જોકે, અમેરિકાની ફોરેન પોલિસી મેગેઝિને દાવો કર્યો હતો કે પાકિસ્તાનનું એક પણ F-16 લડાકુ વિમાન ગુમ થયું નથી.
ગણતરી દરમિયાન અધિકારીઓને બધા જ વિમાનો પાકિસ્તાન લશ્કર પાસે હોવાનું જણાયું હોવાનો દાવો એ મેગેઝિને કર્યો હતો.ભારતની સરહદમાં પાકિસ્તાન લડાકુ વિમાનો ઘૂસી આવ્યા તે પછી ભારતે મિગની મદદથી એ વિમાનોને ભગાડયા હતા અને એક વિમાન તોડી પાડયું હતું,
પરંતુ એનો કાટમાળ પાકિસ્તાન સરહદમાં જઈ પડયો હતો. એ વિમાન F-16 હતું એવો દાવો ભારતે કર્યો હતો, પરંતુ પાકિસ્તાને અમેરિકાની પૂછપરછથી બચવા એવી સ્પષ્ટતા કરી હતી કે તેણે ભારતની સરહદમાં જે વિમાન મોકલ્યું હતું કે ચીની બનાવટનું જેએફ-૧૭ હતું.
અમેરિકાના મેગેઝિને અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહ્યું હતું કે બધા જ F-16 લડાકુ વિમાનો પાકિસ્તાન પાસે છે. આ ક્લિનચીટ આપવા પાછળ એવું કારણ છે કે અમેરિકા હજુ ય માનવા તૈયાર નથી કે રશિયન બનાવટના મિગ વિમાને F-16 લડાકુ વિમાન તોડી પાડયું છે.
જો અમેરિકા એ વાત સ્વીકારે તો F-16 વિમાનની પ્રતિષ્ઠા જોખમમાં આવી જાય અને રશિયન બનાવટના વિમાનો સામે નીચાજોણું થાય. ભારત-પાકિસ્તાનની તંગદિલીમાં હવે અમેરિકા-રશિયાનું રાજકારણ પણ ભળી ગયું છે એટલે અમેરિકાએ F-16 બાબતે નાટયાત્મક રીતે પાકિસ્તાનને ક્લિનચીટ આપી દીધી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uk5KK9
via Latest Gujarati News
0 Comments