આ મરજીવાઓ ૧૩ મીનિટ શ્વાસ લીધા વીના દરિયામાં રહી શકે છે


આંદામાન નિકોબાર અને દક્ષિણ પૂર્વ એશિયામાં બાજાઓ નામની ટ્રાયબલ જનજાતિ સદીઓથી વસે છે. તેઓ સમુદ્રના તળિયે ૭૦ મીટર સુધી જઇને માછલીઓ પકડે છે એટલું જ નહી તેઓ દરિયામાં ડુબકી માર્યા પછી ૧૩ મીનિટ સુધી શ્વાસ  લીધા વીના રહી શકે છે. આટલા લાંબા સમય સુધી શ્વાસ લીધા વીના કેવી રીતે રહી શકે છે. પહેલા તો લોકો આ માનવા તૈયાર થતા ન હતા પરંતુ ઘણા લોકોએ બાજાઓ જનજાતિના યુવાનોને આ પ્રકારે સમુદ્રમાં ઉંડે સુધી લાંબી ડુબકી મારતા જોયા છે.  વિજ્ઞાાનીઓએ આ રહસ્ય ઉકેલવા પ્રયાસ કરતા જાણવા મળ્યું કે આ ડીએનએ પરીવર્તનના કારણે શકય બન્યું છે. તેના પર લાંબુ સંશોધન કરતા માલૂમ પડયું છે કે બાજાઓ કબીલાના લોકોની બરોળ સમયની સાથે ઘણી મોટી થઇ ગઇ છે. આ બરોળ શરીરમાં ઓકિસજનના લાલ સમૃધ્ધ રકતકણોનો સંગ્રહ કરે છે. જયારે જરુર પડે ત્યારે બરોળમાં રહેલા રકતકણો પૂરતા પ્રમાણમાં ઓકિસજન પૂરો પાડે છે. આથી જ તો બાજાઓ મરજીવાઓના શરીરમાં ઓકિસજન જળવાઇ રહેતો હોવાથી દરિયામાં ૧૩ મીનિટ સુધી શ્વાસ લીધા વિના રહી શકે છે.


એક માહિતી મુજબ બાજાઓ કબીલાના લોકો ઓકિસજનની અછત ધરાવતા વાતાવરણમાં રહેવા ટેવાઇ ગયા છે. આથી તેઓ જમીન પર ચાલતા હોયતો પણ લાંબા સમય સુધી ઓકિસજન વિના રહી શકે છે. વૈજ્ઞાનિકોએ દરિયામાં ડુબકીઓ નહી લગાવતા સાલુઆન કબીલાના લોકો સાથે સરખામણી કરતા માલૂમ પડયું કે બાજાઓ કબીલાના લોકોની બરોળ ૫૦ ટકા વધુ મોટી હતી. આ સંશોધન સાથે સંકળાયેલા કેલિફોર્નિયા યૂનિવર્સિટીના ઇન્ટેગ્રેટિવ બાયોલોજીના પ્રોફેસર રાસમસ નિલ્સનનું માનવું હતું કે માણસ વિકટ સંજોગોમાં પણ જીવવા ટેવાઇ જતો હોય છે. તિબેટનો ઉંચાણવાળો વિસ્તાર હોય કે આર્કેટિકની નજીકનો ગ્રીનલેન્ડવાળો વિસ્તાર વગેરે તેના ઉદાહરણો છે. બાજાઓ કબીલોની આ ખાસિયત પણ  માણસમાં જીન સંબંધી પરિવર્તનને આભારી છે. તેઓ રોજબરોજની જિંદગીનો ૬૦ ટકાથી પણ વધુ સમય દરિયામાં ડૂંબકીઓ મારીને માછલીઓ શોધવામાં વિતાવે છે. બાજાઓ કબીલાના લોકો ઇન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઇન્સમાં પણ જોવા મળે છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OVzIyc
via Latest Gujarati News

Post a Comment

0 Comments