શ્રીલંકામાં આતંક યથાવત: ISના આતંકીએ આત્મઘાતી વિસ્ફોટ કરતાં 15નાં મોત


ચારને જીવતા પકડવામાં સફળતા : સ્થળ પરથી આઇએસના ઝંડા, સૈન્યનો યુનિફોર્મ, આત્મઘાતી વિસ્ફોટ સામગ્રી, બોમ્બ મળ્યા

અમેરિકાએ શ્રીલંકાને ત્રીજા લેવલમાં મુક્યુ: શ્રીલંકાનો પ્રવાસ ન કરવા ભારત અને અમેરિકાની પોતાના નાગરિકોને સલાહ

કોલંબો, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

શ્રીલંકામાં હજુ પણ આઇએસનો આતંક યથાવત છે, ઇસ્ટર સન્ડેના રોજ આઠ સીરિયલ બ્લાસ્ટ કરનારા આતંકીઓ એક જગ્યાએ છુપાયા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાદ જ્યારે આ આતંકીઓને પકડવા માટે પોલીસ ગઇ ત્યારે સામસામે ભારે ગોળીબાર થયો હતો.

આતંકીઓએ પોલીસ પર ગોળીબાર કરી દીધો હતો અને પોતાને ઉડાવી દીધા હતા જેને પગલે ઘટના સ્થળે છ બાળકો અને ત્રણ મહિલાઓ સહીત ૧૫ના મોત નિપજ્યા હતા. જે માર્યા ગયા તેમાં ત્રણ આતંકીઓ પણ સામેલ છે. એટલે કે ત્રણ આતંકીઓ અને ૧૨ નાગરીકોના મોત નિપજ્યા હતા. 

અહીંના સાઇંથમુરુથુમાં પોલીસ અને સ્થાનિક સૈન્ય દ્વારા જોઇન્ટ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું, અહીં આશરે સાત જેટલા આતંકીઓ છુપાયા હતા, જેને પગલે મોટા પ્રમાણમાં સામસામે ગોળીબાર થયો હતો. જોકે સાત પૈકી ત્રણ આતંકીઓએ પોતાને ઉડાવી દીધા હતા જેને પગલે સ્થળ પર હાજર છ બાળકો અને ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા.

જ્યારે અન્ય ત્રણ પુરુષો પણ માર્યા ગયા હતા, કુલ ૧૨ નાગરીકો માર્યા ગયા હતા જ્યારે ત્રણ આતંકીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે. અન્ય ચાર જેટલા આતંકીઓ ઘવાયા હતા જેને બાદમાં ઝડપી લેવાયા હતા અને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.  ઘટનાના પગલે તેના નાગરિકોને શ્રીલંકાનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે.

ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ હુમલામાં ૩૬૦થી વધુ લોકો માર્યા ગયા છે. ઇસ્ટર સન્ડેના હુમલા બાદ અત્યાર સુધીમાં કુલ ૭૬ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં આઠ સીરિયલ બ્લાસ્ટમાં સામેલ આતંકીઓનો પણ સમાવેશ થાય છે. શનિવારે થયેલા ગોળીબારમાં જે આતંકીઓ માર્યા ગયા તેની પાસેથી આઇએસના ઝંડા, સૈન્યનો યુનિફોર્મ, આત્મઘાતી વિસ્ફોટ સામગ્રી, બોમ્બ વગેેરે મળી આવ્યા હતા, તેથી આતંકીઓ હજુ પણ મોટા હુમલાની ફિરાકમાં હતા. 

બીજી તરફ આતંકીઓનો ખૌફ જારી છે, હોટેલથી લઇને રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે જ્યારે હજુ પણ ચર્ચમાં પ્રાર્થના માટે પ્રતિબંધ જારી છે, અને એકઠા થવા પર રોક લગાવી દેવામાં આવી છે.

આતંકીઓના નિશાના પર ખ્રિસ્તીઓ હોવાથી તેમની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે, આ હુમલાની જવાબદારી આઇએસએ લીધી હતી જ્યારે શ્રીલંકાની સરકારે જણાવ્યું હતું કે હુમલાનો હેતુ ન્યૂઝિલેન્ડમાં મસ્જિદમાં થયેલા ગોળીબારનો બદલો લેવા માટે જ કરવામાં આવ્યો હતો. 

દરમિયાનમાં શ્રીલંકામાં થયેલા વિસ્ફોટની અસર હવે પર્યટકો અને વિદેશીઓ પર પણ થવા લાગી છે. અમેરિકાએ પોતાના નાગરીકોને ચેતવણી આપી છે કે શ્રીલંકામાં હાલ ખતરો હોવાથી ત્યાં જાવ તો સાવચેત રહેવું અને જતા પહેલા એક વખત જરુર વિચારવું. અમેરિકાના વિદેશ વિભાગે શ્રીલંકાને હવે ટ્રાવેલ રિસ્ક લેવલ ત્રણમાં મુકી દીધુ છે.

અમેરિકાએ સાથે એ પણ દાવો કર્યો હતો કે શ્રીલંકામાં અમારા નાગરીકોને સુરક્ષા પહોંચાડવા માટે અમારી પાસે પુરતી સુવિધા ત્યાં ઉભી કરવામા આવી નથી જેને પગલે પણ શ્રીલંકામાં જતા અમેરિકાના નાગરીકોએ ચેતવવું જોઇએ. 

અમેરિકાએ ચાર સ્તરની એડવાઇઝરી જારી છે જેમાં પહેલા લેવલમાં ટ્રાવેલ કરવાને લાયક, બીજામાં ટ્રાવેલ દરમિયાન કેટલીક સામાન્ય સાવચેતી રાખવી અને ત્રીજા લેવલમાં ટ્રાવેલ કરતા પહેલા વિચારવું. જ્યારે ચોથા લેવલમાં જે દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હોય ત્યાં કોઇ પણ સંજોગોમાં ટ્રાવેલિંગ ન કરવાની ચેતવણી અમેરિકા આપતુ હોય છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UKEjUS
via Latest Gujarati News

Post a Comment

0 Comments