બહરાઈચ, તા. 30 એપ્રિલ 2019 મંગળવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે તેમના ડરથી દેશમાં આતંકવાદી ઘટનાઓ રોકાઈ ગઈ છે પરંતુ આ જોખમને સંપૂર્ણપણે ટાળવા માટે કેન્દ્રમાં તેમના નેતૃત્વવાળી મજબૂત સરકાર બીજીવાર બનાવવી પડશે.
મોદીએ ચૂંટણી રેલીમાં કહ્યુ કે તેમની સરકારની પ્રતિબદ્ધતાના કારણે આતંકવાદ સીમિત થઈ ગયો છે. હવે આપને મંદિરો, બજારો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટના સમાચાર સાંભળવા મળતા નથી આ બધુ મોદીના ડરના કારણે બંધ થઈ ગયુ છે. અત્યારે તેઓ સુધર્યા નથી, જોખમ હજુ છે, ખતમ થવાનું બાકી છે. આજે પણ આપણી આસપાસ આતંકી નર્સરી ચાલી રહી છે.
આ વિસ્તારને રામાયણ સર્કિટ અને બુદ્ધ સર્કિટ દ્વારા સમગ્ર દેશ સાથે જોડવામાં આવી રહ્યા છે પરંતુ યાદ રાખો જ્યારે આતંકવાદ વધે છે તો તેનો પહેલો શિકાર આસ્થાના કેન્દ્ર થાય છે. જેથી દેશને આવી જ મજબૂત સરકારની જરૂર છે. ભાજપને મળનાર દરેક મત રાષ્ટ્રની સુરક્ષા માટેનો હશે.
PM મોદીએ કહ્યુ કે શું આતંકની આ નર્સરીને સપા અને બસપા બંધ કરી શકે છે. આ સિવાય આતંકવાદથી લડનાર સૈનિકોનો વિશેષાધિકાર હટાવી દેવાની વાત કરનાર કોંગ્રેસ શું આતંકવાદ સામે લડી શકશે?
વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ દેશની સૌથી જૂની પાર્ટીની પરિસ્થિતિ આજે એવી છે કે એ વાતની જાણ નથી કે તેને પ્રતિપક્ષના નેતા બનવાની તક મળશે કે નહીં. વર્ષ 2014માં તો તક મળી નહોતી. આ વખતે તો જનતા એટલી ગુસ્સામાં છે કે 2019માં પણ તેમના કંઈ નસીબ નથી.
જે લોકો 50-55 બેઠક લઈને વિપક્ષના નેતા બનવાની સ્થિતિમાં નથી. તે વડાપ્રધાન બનવા માટે દરજી પાસે કપડા સિવડાવી રહ્યા છે. આ લોકો ઈચ્છે છે કે કોઈ પણ રીતે ખિચડી સરકાર બની જાય. કમજોર સરકાર બની જાય એટલે ત્રણ મહિના કોઈ વડાપ્રધાન બનશે અને ત્રણ મહિના બીજુ કોઈ. તમને શું આવી વાત મંજૂર છે. આવા લોકોને શું ખરેખર દેશ અને તેમની જનતાના ભવિષ્યની ચિંતા છે?
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PLq01P
via Latest Gujarati News
0 Comments