વિશ્વમાં પ્રથમ વખત ડ્રોનની મદદથી કિડનીની ડિલિવરી કરાઈ, 10 મિનિટમાં પાંચ કિમીનો પ્રવાસ


(પીટીઆઈ) ન્યૂયોર્ક , તા. 5 મે, 2019, રવિવાર

વિશ્વમાં પ્રથમ વખત અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરમાં ડ્રોનના માધ્યમથી સફળતાપૂર્વક કિડનીની ડિલિવરી કરવામાં આવી છે. ડ્રોનમાં એક સીલ કાર્ગો ડબ્બામાં કિડની રાખવામાં આવી હતી જેને માનવ અંગનું નિરીક્ષણ અને લાંબા અંતરની યાત્રા માટેના ખાસ ઉપકરણમાં રાખવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ડ્રોન સાચા રસ્તે આગળ વધી રહ્યું છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે સતત તેને જીપીએસની મદદથી ટ્રેક કરવામાં આવ્યું હતું. ડ્રોને ૪૦૦ ફૂટની ઉંચાઈએ ઉડીને માત્ર ૧૦ મિનિટમાં પાંચ કિલોમીટરનું અંતર કાપી કિડની દર્દી સુધી પહોંચાડી આપી હતી. ત્યાર બાદ બાલ્ટીમોરની ૪૪ વર્ષીય મહિલા જે છેલ્લા આઠ વર્ષથી ડાયાલિસીસના સહારે જીવી રહી છે તની કિડનીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

આ પ્રકારના ડ્રોન ઉડાડવા માટે એવિએશન રેગ્યુલેટર્સ પાસેથી મંજૂરી લેવી જરુરી હોય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનું સફળ ઓપરેશન કરનારા ડોક્ટરે આ ઘટનાને મેડિકલ ક્ષેત્રની નવી પહેલ સમાન ગણાવી હતી. ડોક્ટર જોસેફે જણાવ્યું કે ડ્રોનની મદદથી ઝડપથી માનવ અંગોની ડિલિવરી કરી શકાશે જેથી વિલંબ નહીં થાય અને અંગની કાર્યક્ષમતા જળવાઈ રહેશે.

વધુમાં તેમણે આ ટેકનોલોજી દ્વારા ભવિષ્યમાં ૫૦થી ૧૫૦ કિમી દૂર પણ સફળતાપૂર્વક માનવ અંગો મોકલી શકાશે તેવી આશા વ્યક્ત કરી. ડોક્ટરના મતે હાલમાં ચાર્ટર પ્લેન કે વ્યાવસાયિક ફ્લાઈટ દ્વારા માનવ અંગોનું પરિવહન કરવામાં આવે છે જેમાં સમય પણ ખૂબ લાગે છે અને તે ખર્ચાળ પણ છે. જ્યારે ડ્રોનની મદદથી ઓછા ખર્ચે સફળતાપૂર્વક માનવ અંગોની હેરફેર કરી શકાશે.

એક અહેવાલ મુજબ ૨૦૧૮માં અમેરિકાના ૧,૧૪,૦૦૦ લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની લાઈનમાં હતા. સ્કેલા નામની એક મહિલાએ એક કંપનીની સ્થાપના કરી છે જે ઓર્ગન શિપમેન્ટની વિગતોની દેખરેખ રાખે છે અને તેણે પોતાની સિસ્ટમને ઉબેર-લાઈક સર્વિસ સાથે જોડી છે જેથી ખર્ચમાં ઘટાડો થશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vCtA53
via Latest Gujarati News

Post a Comment

0 Comments