નવી દિલ્હી, તા 29 મે 2019, બુધવાર
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે.
કાર્તિએ સુપ્રીમ કોર્ટમાં જપ્ત કરાયેલા 10 કરોડ રૂપિયા પાછા આપવા માટે અરજી કરી હતી. આ રકમ વિદેશ જવાની પરવાનગી મળ્યા બાદ કાર્તિએ જમા કરાવી હતી. જોકે રકમ પાછી આપવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કાર્તિએ અરજીમાં કહ્યુ હતુ કે, આ રકમ લોન પર લીધી છે અને તેના પર વ્યાજ ચુકવવુ પડી રહ્યુ છે.
સુપ્રીમ કોર્ટે સાથે સાથે કાર્તિને સલાહ આપતા કહ્યુ હતુ કે, કાર્તિએ પોતાના લોકસભા વિસ્તાર પર વધારે ધ્યાન આપવુ જોઈએ. કાર્તિ તામિલનાડુની બેઠક પર કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
એ જણાવવુ જરૂરી છે કે, આઈએનએક્સ મીડિયા કેસમાં ઈડી દ્વારા ગત ઓક્ટોબરમાં કાર્તિ પર કાર્યવાહી કરાઈ હતી. તેમની ભારત અને વિદેશમાં સ્થિત 54 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જેમાં બેંક એકાઉન્ટ પણ સામેલ છે. કાર્તિ પર આરોપ છે કે, તેણે વિદેશમાંથી 305 કરોડ રૂપિયા મેળવવા માટે આઈએનએક્સ મીડિયાના માલિકોની મદદ કરી હતી. તે વખતે પી.ચિદમ્બરમ નાણામંત્રી હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EF2IWG
via Latest Gujarati News
0 Comments