
નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર
૧૭ મી લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ છે. દેશના લોકોએ ૫૪૨ લોકોને સાંસદ સુધી પહોંચાડયા છે. ત્યારે ચૂંટણી વિશ્લેષણ સંસ્થા એડીઆર દ્વારા પરીણામ સંબંધી રિપોર્ડ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ નવા ચૂંટાયેલા સાંસદોમાંથી ૪૩ ટકા સાંસદો ક્રિમિનલ રેકોર્ડ વાળા છે.
એટલે કે ૫૪૨માંથી ૨૩૩ સાંસદો પર વિવિધ ગુનાઓ હેઠળ કેસ ચાલી રહ્યા છે. ઉપરાંત ૮૮ ટકા સાંસદો આ વખતે કરોડપતિ છે. સાંસદોએ ચૂંટણીપંચને સોંપેલા એફીડેવીટ પ્રમાણે ૨૯ ટકા એટલે કે ૧૫૯ સાંસદો પર હત્યા, બલાત્કાર અને અપહરણ જેવા ગંભીર કેસો પેન્ડીંગ છે.
જે ભાજપની વાત કરીએ તો ભાજપના ૧૧૬ સાંસદો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. જે બધા વિરૃદ્ધ કેસ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ૫૨માંથી ૨૯ સાંસદો ઉપર કેસ ચાલી રહ્યા છે. ક્રિમિનલ રેકોર્ડ વાળા સાંસદોની યાદીમાં કોંગ્રેસના સાંસદ કુરીયાકોસ પ્રથમ આવે છે. તેમની પર ૨૦૪ કેસ ચાલી રહ્યા છે.
આ સિવાય લગભગ બધા જ પક્ષોમાં આવા ક્રિમિનલ રેકોર્ડ વાળા સાંસદો છે. બસપાના ૧૦માંથી ૫, જેડીયુના ૧૬માંથી ૧૩, તૃણમૂળ કોંગ્રેસના ૨૨માંથી ૯, મકપાના ૩માંથી ૨ અને બીજદના ૧૨માંથી એક સાંસદ પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે.
આ મામલામાં બિહાર અને કેરળ મોખરે છે. કેરળમાંથી ચૂંટાયેલા સાંસદોમાંથી ૯૦ ટકા તો બિહરાના ૮૨ ટકા સાંસદો ગુનાહીત કેસો સાથે જોડાયોલા છે. પશ્ચિમ બંગાળના ૫૫ ટકા, ઉત્તર પ્રદેશના ૫૬ ટકા, મહારાષ્ટ્રના ૫૮ ટકા અને ગુજરાતમાં ૧૫ ટકા સાંસદો પર કેસ ચાલે છે.
ગત લોકસભા ચૂંટણીમાં એટલે કે ૧૬મી લોકસભાની સરખામણીએ ક્રિમિનલ રેકોર્ડ વાળા સાંસદોની સંખ્યામાં ૯ ટકા નો વધારો થયો છે. ગત લોકસભામાં ૫૪૨માંથી ૧૮૫ સાંસદો પર ક્રિમિનલ કેસ ચાલતા હતા.
ઉપરાંત આ રિપોર્ટ પ્રમાણે નવા ચૂંટાયેલા સાંસદોમાંથી ૮૮ ટકા કરોડપતિ છે. ૨૦૦૯માં આ આંકડો ૫૮ ટકાનો હતો. નવા ચૂંટાયેલા સાંસદોની એવરેજ સંપતિ ૨૦.૯૩ કરોડ જેટલી થાય છે.
ભાજપના ૮૮ ટકા, કોંગ્રેસના ૮૪ ટકા, દ્રમુકના ૯૬ ટકા અને તૃણમૂળ કોંગ્રેસના ૯૧ ટકા સાંસદ કરોડપતિ છે. આ સિવાય ૫૪૨માંથી ૧૨૮ સાંસદોએ ૧૨ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
ઉપરાંત એક સભ્યએ પાતાને અભણ પણ ગણાવ્યો છે. ઉંમરની વાત કરીએ તો ૧૯૪ સાંસદોની ઉંમર ૨૫થી ૫૦ વર્ષની વચ્ચે છે તો ૩૪૩ સાંસદો ૫૧ થી ૮૦ વર્ષની ઉંમર ધરાવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MplVSX
via Latest Gujarati News
0 Comments